Hun To Bolish : હું તો બોલીશ : પાપ પ્રશાસનનું, મોત આપણું!
આપણું ગુજરાત, આગવું ગુજરાતના ભલે દાવા થતા હોય પણ ગુજરાતમાં પ્રશાસનના અધિકારીઓ એટલા નિંભર થઈ ગયા છે કે સમાચાર માધ્યમ જો અહેવાલ પ્રસારિત કરે, હાઈકોર્ટ જો ફટકાર લગાવે અને મુખ્યમંત્રી જો ટકોર કરે તો જ કામગીરી કરે. તાજેતરમાં બિસ્માર રોડ-રસ્તા, હાઈવે મુદ્દે સમાચાર માધ્યમોએ વારંવાર અહેવાલ પ્રસારિત કરાયા, મુખ્યમંત્રીએ ટકોર કરવી પડી અ્ને બાદમાં ખાડા પૂરાયા. હવે ફરી એકવાર એવો જ પ્રશ્ન ઉભો થયો છે. વરસાદે વિરામ લઈ લીધો પરંતુ પ્રશાસનના અધિકારીઓ પોતાની જવાબદારી ભૂલી ગયા. રાજ્યમાં અનેક ઠેકાણે ખૂલ્લી ગટરોથી રાજ્યના નાગરિકો પર જીવનો ખતરો તોળાઈ રહ્યો છે. વડોદરામા ખુલ્લી ગટરમાં દિપક નામનો કિશોર ખાબક્યો અને મોતને ભેટ્યો હતો. આટલું જ નહીં ઘટનાને પગલે ફાયરબ્રિગેડનો સ્ટાફ મૃતદેહ કાઢવા પહોંચ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમ કામગીરી કરી પરત ફરી રહી હતી ત્યારે ફાયરબ્રિગેડનું ફાયર ફાયટર પણ ઘટનાસ્થળની નજીક જ ગટરના ખાડામાં ખાબકી હતી.
















