Kheda news: સાબરમતીમાં પાણી છોડાતા ખેડા પ્રશાસન એલર્ટ, નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને કરાયા સ્થળાંતર
અમદાવાદ સહિત ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લા વહીવટી તંત્રએ મોડી રાત્રે સાવચેતીના પગલાં ભર્યા છે.
સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તો ખેડા તાલુકાના નીચાણવાળા ગામો જેવા કે રસિકપુર, પથાપુર, ધરોડા અને ચિત્રાસર સહિતનાં 15 જેટલાં ગામોમાં પાણી ઘૂસી શકે તેવી શક્યતા છે. આ સંભવિત પરિસ્થિતિને ટાળવા માટે વહીવટી તંત્રએ મોડી રાત્રે 22 બસોની મદદથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળોએ ખસેડ્યા છે. સ્થળાંતર કરાયેલા લોકોને હરિયાળા ગુરુકુળ અને ઈમેજ કોલેજ, અસલાલી ખાતે રાખવામાં આવ્યા છે.
માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ આ સ્થળાંતરની કામગીરીમાં જોડાયા હતા. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ બપોર બાદ નદીનું જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ પર છે.



















