Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
સુરેન્દ્રનગરને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી બાદ હવે કલેક્ટર પર ઇડીએ સિકંજો કસ્યો છે. 15 કરોડના જમીન કૌભાંડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઇડીની ટીમે ધરપકડ કરી લીધી છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની તેમના ગાંધીનગર નિવાસસ્થાનેથી ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે રાત્રિ દરમિયાન ઇડીની ત્રણ ટીમો રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને પહોંચી હતી, તેમને પુછપરછ શરૂ કરી અને બાદમાં ધરપકડ કરી લીધી હતી. રાજેન્દ્ર પટેલની સાથે સાથે ઇડીએ કલેક્ટર ઓફિસ સાથે જોડાયેલા અધિકારીઓની પણ પુછપરછ કરી હતી.
1500 કરોડના જમીન કૌભાંડ મામલે આ પહેલા ઇડીએ નાયબ મામલતદાર ચંદ્રસિહ મોરીની ધરપકડ કરીને તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. હવે તેમને સાબરમતી જેલમાં મોકલવાનો હુકમ કરાયો છે. આ સમગ્ર કેસમાં 24 ડિસેમ્બરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા બાદ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રમાં મોટો ખળભળાટ મચી ગયો છે. રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલને પદેથી હટાવીને સામાન્ય વહીવટ વિભાગ (GAD)માં મુકતા આદેશ જાહેર કર્યા હતા. આ સાથે જિલ્લા વિકાસ અધિકારી (DDO) કે. એસ. યાજ્ઞિકને કલેક્ટર પદનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.




















