Vav By Poll 2024: વાવ બેઠકની પેટાચૂંટણી: કોંગ્રેસના ઠાકરશી રબારી નારાજ !
કૉંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં દાવેદારી કરી છે . મંચ પરથી તેમના એક નિવેદનને લઈ ઉઠ્યા સવાલ કે, શું ઠાકરશી રબારી છે નારાજ. અવસર હતો વાવ ખાતે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમનો. જેમાં પહોંચ્યા હતા સાંસદ ગેનીબેન ઠાકોર પણ. ગેનીબેનના સ્વાગતમાં ઠાકરશી રબારી મંચ પરથી બોલ્યા, બનાસના બેન.... ગુલાબના બેન... એટલું જ નહીં... ઠાકરશી તો એવું પણ બોલ્યા કે, મેં પક્ષ માટે બલિદાન પણ આપ્યું છે. વાવ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂતે પણ ટિકિટ માગી છે. મનાઈ રહ્યું છે કે, તેમને ટિકિટ મળવાનું નક્કી છે.. જેને લઈ ઠાકરશી નારાજ છે. એવામાં ઠાકરશીએ ગેનીબેનને ગુલાબસિંહના બેન કહીને સંબોધતા. ચર્ચાને બળ મળ્યો કે, ઠાકરશી ખરેખર નારાજ છે. ઠાકરશી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી હતી. ત્યાં તો તેમની તબિયત લથડી. તેમને થરાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા. ઠાકરશીની તબિયત લથડ્યાની જાણ થતાં જ ગુલાબસિંહ રાજપૂત અને કે. પી. ગઢવી પણ હોસ્પિટલમાં તેમના ખબરઅંતર પૂછવા પહોંચ્યા. ચર્ચા તો એવી પણ છે કે, ઠાકરશી નારાજ હોવાથી તેમને મનાવવા ગુલાબસિંહ અને કે. પી. ગઢવી પહોંચ્યા હતા. જો કે, બહાર આવી ઠાકરશી અને ગુલાબસિંહનું કહેવું હતું કે, કોઈ નારાજગી નથી.