(Source: ECI | ABP NEWS)
North India Heavy Rain:આંધી સાથેના વરસાદે મચાવ્યો કહેર, અત્યાર સુધીમાં 10 લોકોના મોત
North India Heavy Rain:આંધી સાથેના વરસાદે મચાવ્યો કહેર, અત્યાર સુધીમાં 10 લોકોના મોત
ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં અચાનક શુક્રવારે વહેલી સવારે આંધી-તોફાન સાથે મૂશળધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે દિલ્હીમાં ૪, ઉત્તરપ્રદેશમાં ૪ અને છત્તીસગઢમાં બે સહિત કુલ ૧૦ લોકોનાં મોત નીપજ્યાં હતા. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી, જેથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. કેટલીક જગ્યાએ વીજપૂરવઠો ખોરવાયો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આંધી-તોફાન, કરાં સાથે વરસાદની આગાહી કરી છે.
દિલ્હીમાં ભારે વરસાદના કારણે નજફગઢમાં એક મકાન પર ઝાડ પડતાં મકાન તૂટી પડયું હતું અને તેના કાટમાળમાં આખો પરિવાર દટાઈ ગયો હતો. જોકે, પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ પરિવારના સભ્યોને બહાર કાઢી જાફરપુર કલાનમાં એક હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે, ડૉક્ટરે એક મહિલા સહિત ત્રણ બાળકોના મોત નીપજ્યાં હોવાનું જણાવ્યું હતું જ્યારે એક વ્યક્તિની સારવાર ચાલુ છે. દિલ્હીમાં અચાનક વરસાદ ખાબકતા તાપમાન ૧૦ ડિગ્રી જેટલું ઘટી ગયું હતું.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તિવ્ર ગતિએ પવન ફૂંકાતા અને ધૂળભરી આંધીના કારણે અનેક જગ્યા પર ૧૦૦થી વધુ વૃક્ષો ઉખડી ગયા હતા અને ૨૦૦થી વધુ ફ્લાઈટ્સ પર અસર થઈ હતી. દિલ્હીમાં શુક્રવારે વહેલી સવારે માત્ર ત્રણ કલાકમાં ૭૮ મીમી વરસાદ પડયો હતો, જે મે મહિનામાં ૨૦૦૯થી ૨૦૨૫ વચ્ચે બીજો સૌથી વધુ વરસાદ પડયો હતો. આ પહેલાં ૨૦૨૧માં ૧૧૯ મીમી વરસાદ નોંધાયો હતો. મૂશળધાર વરસાદના કારણે દિલ્હીના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.
















