Surat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ, પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..
સુરતના કતારગામ વિસ્તારમાં માત્ર ગાડી સાઈડ પર લેવા બાબતે થયેલી તકરારમાં બોલેરોના પીકઅપ વાન ચાલકે યુવકને 150 મીટર સુધી બોનેટ પર ધસડી ગયા બાદ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો.જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.જે સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. પુત્રની નજર સામે જ બનેલી આ કરુણઘટનાને લઇ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સુરતમાં હત્યા જેવા બનાવો હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે. સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. સામાન્ય બોલાચાલ હોય કે માથાકૂટ હત્યામાં પરિણમી રહી છે. આવી જ એક ઘટના સુરતના કતારગામ વિસ્તારમાંથી સામે આવી છે.જ્યાં માત્ર ગાડી સાઈડ પર લેવા બાબતે થયેલી તકરાર હત્યામાં પરિણમી હતી. કતારગામ પોલીસના જણાવ્યા પ્રમાણે, સુરતના વરિયાવા તાડવાડી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર કંથારીયાને સંતાનમાં એક દીકરી અને દીકરો છે. જે દીકરી ના લગ્ન થઈ ગયા છે જ્યારે પુત્ર ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારને મદદરૂપ બને છે. જ્યારે જીતેન્દ્ર કંથારીયા સુરતના પુણા કુંભારિયા રોડ પર આવેલી બેન્ક ઓફ બરોડા માં પિયૂન તરીકે છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા હતા.
જીતેન્દ્ર કંથારીયા શનિવારના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ રત્નમાલા સર્કલ નજીકથી મોટરસાયકલ પર પોતાના પુત્ર જોડે ઘરે પરત ફરી રહ્યા હતા. જે સમયે પૂરઝડપે પસાર થતા બોલેરો પીક અપ વાનના ચાલકે તેઓની મોટરસાયકલને ટક્કર મારી હતી. જેથી ટકોર કરવા ગયેલા જીતેન્દ્ર કંથારીયા જોડે બોલેરો પીકઅપના ચાલકે ગાડી સાઈડ પર લેવા બાબતે માથાકૂટ કરી હતી. બંને વચ્ચે થયેલી આ સામાન્ય તકરાર અને માથાકૂટ બાદ બોલેરો પિક અપ વાનના ચાલકે જીતેન્દ્ર કંથારીયા બોનેટ પર 150 મીટર સુધી ઘસડી ગયો હતો. પુત્ર ભાવિન કંથારીયા નજર સામે જ જીતેન્દ્ર કંથારીયા ને ઘસડી જઈ ગંભીર ઈજા પહોંચાડી હતી.જે ઘટના બાદ ચાલકે પૂર ઝડપે વાહન હંકારી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત જીતેન્દ્રભાઈ નો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં મોડી રાત્રે હોસ્પિટલ ના બિછાને તેઓનું મોત નીપજ્યું હતું.જીતેન્દ્ર કંથારીયા મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
બીજી તરફ આ ઘટનાને લઇ કતારગામ પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કતારગામ પોલીસની તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં આ ગંભીર ઘટના કેદ થઈ હતી. જે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે મૃતક અને ટેમ્પો ચાલક વચ્ચે બોલાચાલ થાય છે અને ત્યારબાદ બોલેરો પીક અપ વાનનો ચાલક મૃતકને ઘસડી ગયા બાદ ફરાર થઈ જાય છે. જે સીસીટીવી ફૂટેજ ના આધારે કતારગામ પોલીસ દ્વારા બોલેરો પિક અપ વાનના ચાલક સામે એટ્રોસીટી,હત્યા અને હિટ એન્ડ રનની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન આ ગુનામાં ફરાર બોલેરો પીક અપ વાનના ચાલક ને ઝડપી પાડવા કતારગામ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી. જ્યાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમી ના આધારે ગણતરીના કલાકોમાં જ બોલેરો પીક અપ વાનના ચાલક મયુર મેર ને ઝડપી પાડી કતારગામ પોલીસને સોપ્યો હતો. જ્યાં કતારગામ પોલીસ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જોકે બોલેરો પિક અપ વાનના ચાલકની ગુંડાગર્દી કહો કે દાદાગીરી ના કારણે એક પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે.ત્યારે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ પરિવારજનો એ કરી છે..
મહત્વનું છે કે આ ઘટનામાં મોતને ભેટેલ યુવક દલિત સમાજમાંથી આવે છે.કેસની તપાસ સારી રીતે થાય અને આરોપીને કડકથી કડક સજા થાય તે માટે આરોપીની ધરપકડ બાદ આ કેસની તપાસ હવે એસ.સી.એસ. ટી.શેલ ને સોંપવામાં આવી છે.જ્યાં આગળની તપાસ હવે આ વિભાગના અધિકારી દ્વારા કરવામાં આવશે...





















