Narmada River Flood : સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પૂર
Narmada River Flood : સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પૂર
ભરુચ: સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી તોફાની બની છે. ભરૂચ,નર્મદા અને વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભરૂચ જિલ્લાના ગોલ્ડન બ્રિજથી પસાર થતી નર્મદા નદીએ ભયજનક 26 ફુટની સપાટી વટાવીને 27 ફુટની ઉપર વહી રહી છે.
કાલે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર
નર્મદા નદીની જળસપાટી હજુ પણ વધવાની શક્યતા છે. જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. સંભવિત પુર અને વરસાદની સ્થિતિને જોતા આવતીકાલે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ બાદ લોકોને તંત્ર દ્વારા સચેત કરી દેવામાં આવ્યા છે. નર્મદા નદીમાં વધી રહેલું જળસ્તર હાલ ભરૂચ જિલ્લા માટે ચિંતાનો વિષય બન્યો છે.
નર્મદા નદીના ભયાવહ દ્રશ્યો
આ તરફ દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવેના કેબલ બ્રિજ પરથી પણ નર્મદા નદીના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા છે. નર્મદા નદી ભયજનક સપાટીને પાર કરતા કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે. અંકલેશ્વર અને સુરતને જોડતા સ્ટેટ હાઈવે પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. કડકીયા કોલેજ નજીક રસ્તા પર પાણીનો ધસમસતા પ્રવાહમાંથી લોકો જીવના જોખમે પસાર થતા કેમેરામાં કેદ થય.
આ તરફ છાપરા ગામના ખેતરોમાં પણ નર્મદા નદીના પાણી ઘુસી ગયા. ખેતરોમાં નદીના પાણીએ તબાહી મચાવતા પાક અને આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળશે તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. ફુર્જા સ્થિતિ દત્ત મંદિરમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે. દત્ત મંદિરના ગર્ભગૃહમાં આવેલ શિવલિંગ જળમગ્ન થયું છે.
ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા
નર્મદા ડેમની સપાટી 135.94 મીટર સુધી પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 4 લાખ ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. આ કારણે સિઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. હાલ નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.




















