(Source: ECI/ABP News/ABP Majha)
જોધપુરઃ જન્મથી દિવ્યાંગ છે સુધાંશુ વ્યાસ, અવાજ સાંભળી થઇ જશો આશ્વર્યચકિત
જોધપુરઃ રાજસ્થાનના જોધપુરનો રહેવાસી સુધાંશુ અરવિંદ વ્યાસને ગાતો સાંભળી સૌ કોઇ તેના અવાજના કાયલ થઇ જાય છે. સુધાંશુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાય છે. જન્મથી હાથ-પગ કામ કરતા ન હોવા છતાં સુધાંશુ વ્યાસ હિંમત હાર્યો નથી. તેને સંગીતનો ખૂબ શોખ છે.
સુધાંશુની માતા ચંદ્રકલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, 3,જાન્યુઆરી 1999ના રોજ સુધાંશુનો જન્મ થયો હતો. આઠ વર્ષનો થયો ત્યારે તેની આ બિમારીનો ખ્યાલ આવ્યો હતો. સુધાંશુના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. તેના પિતા જોધપુર હાઇકોર્ટમાં યુડીસી તરીકે ફરજ બજાવે છે.
સુધાંશુની માતાએ વધુમાં જણાવ્યું કે, સુધાંશુની સારવાર માટે અમે મુંબઇ, દિલ્હી, બેગ્લોર સહિત અનેક શહેરોની હોસ્પિટલની મુલાકાત લઇ ચૂક્યા છે છતાં તેની સ્થિતિમાં કોઇ ફેર પડ્યો નથી. ડોક્ટરો પણ હવે હાથ ઉંચા કરી દીધા છે.
સુધાંશુને છેલ્લા ચાર વર્ષથી સંગીતનો શોખ જાગ્યો હતો. તેણે આ માટે સંગીતનું શિક્ષણ લેવાનું નક્કી કર્યું. હાલમાં તે ગંધર્વ વિશ્વવિદ્યાલયમાં સંગીતમાં એમએ કરી રહ્યો છે. ચંદ્રકલાએ જણાવ્યું કે, સુધાંશુના મોટાભાઇને પણ આ બીમારી લાગુ પડી હતી અને તેનું પણ 19 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું.