Gandhinagar: ખેડૂતો આનંદો! તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે સરકાર, આ તારીખે શરુ થશે નોંધણી
રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે તુવેર, ચણા અને રાયડા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર: ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે તુવેર, ચણા અને રાયડા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન પણ કરાશે.
ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. ૫ ફેબ્રુઆરી થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માટે રવિ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર તુવેર માટે રૂ.૭૦૦૦ પ્રતિ કિવ., ચણા માટે રૂ. ૫૪૪૦ પ્રતિ કિવ. અને રાયડા માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિ. જાહેર કરવામાં આવ્યો છે.
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખરીફ પાકોના ટેકાના ભાવોની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમની ખેતપેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થાય તેવા નેક હેતુસર ભારત સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરવામાં આવે છે. ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ ખરીફ પાકો પૈકી ગુજરાતના ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ(લંબતારી) પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે અગાઉ જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો નિશ્ચિંત થઈ વાવેતર કરી શકે. આજે મળેલી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠકમાં પાકવાર ખેતી ખર્ચ, કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. પુખ્ત વિચારણા અને નિષ્ણાતો દ્વારા નક્કી કરાયેલા ભાવોને ધ્યાને લઇ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ(લંબતારી) પાકના રાજ્ય કૃષિ ભાવપંચ દ્વારા ભાલામણ કરવાના થતા ભાવ નક્કી કરવામાં આવ્યા છે, જે ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવપંચને સમયસર મોકલી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
કયા પાકના કેટલા ભાવ નક્કી કર્યા
વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવ નક્કી કરવા માટે ડાંગર માટે રૂ. ૨૮૦૦ પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રૂ. ૩૩૫૦ પ્રતિ ક્વિન્ટલ, જુવાર માટે રૂ. ૫૫૦૦ પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. ૪૫૦૦ પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે રૂ. ૯૦૦૦ પ્રતિ ક્વિન્ટલ, મગ માટે રૂ. ૯૫૦૦ પ્રતિ ક્વિન્ટલ, અડદ માટે રૂ. ૯૨૫૦ પ્રતિ ક્વિન્ટલ, મગફળી માટે રૂ. ૮૦૦૦ પ્રતિ ક્વિન્ટલ, તલ માટે રૂ. ૧૧,૫૦૦ પ્રતિ ક્વિન્ટલ તેમજ કપાસ(લંબતારી) માટે રૂ. ૧૦,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરી સમયસર કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું. આ બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, ખેતી નિયામક અને બાગાયત નિયામક સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ખેડૂત આગેવાનો/પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી પોતાના પ્રતિભાવ આપ્યા હતા.