હવે અમેરિકનો અને આફ્રિકનોના દાઢે વળગી કેસરી કેરી,2 લાખ કિલો કેરીની વિદેશમાં કરવામાં આવી નિકાસ
Agriculture News: કેરીનું નામ આવે એટલે દરેક ગુજરાતની મોઢે કેસરનું નામ પહેલા આવે. હવે આ કેસર કેરી ન માત્ર ગુજરાત કે દેશમાં પરંતુ વિદેશમાં પણ લોકોની પહેલી પસંદ બની રહી છે.
Agriculture News: કેરીનું નામ આવે એટલે દરેક ગુજરાતની મોઢે કેસરનું નામ પહેલા આવે. હવે આ કેસર કેરી ન માત્ર ગુજરાત કે દેશમાં પરંતુ વિદેશમાં પણ લોકોની પહેલી પસંદ બની રહી છે. આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ગુજરાતની કેસર કેરી ભારત જેવા કૃષિ પ્રધાન દેશના આર્થિક વિકાસમાં ખેતી અને ખેડૂત બંને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે દેશના ખૂણે-ખૂણેથી અનેક ખેત ઉત્પાદનોનો વિશ્વના વિકસિત દેશોમાં નિકાસ થઇ રહ્યો છે. કૃષિ ઉત્પાદનોના નિકાસમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.
મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ખેડૂતોની આવક વધારવા તેમજ ખેડૂતોને તેમની ઉપજના મહત્તમ ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામે આજે ગુજરાતનો કપાસ, મગફળી અને ફળો સહિતની ખેત પેદાશોનો અન્ય દેશોમાં નિકાસ થઇ રહ્યો છે.ગુજરાતના ધરતીપુત્રો જાતે જ તેમની ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખેત પેદાશો નિકાસ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર વિવિધ માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. અમદાવાદ નજીક બાવળા ખાતે રાજ્ય સરકારે સ્થાપેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ દ્વારા પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોગ્રામથી વધુ કેસર કેરીનું ઇ-રેડિયેશન કરી તેનો નિકાસ કરવામાં આવ્યો છે.
કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના કૃષિ વિભાગ હસ્તકની ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ રૂ. ૨૦ કરોડના ખર્ચે આ રેડિયેશન પ્રોસેસિંગ યુનિટની સ્થાપના કરવામાં આવી હતી. આ યુનિટને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર તેમજ બોર્ડ ઓફ રેડિયેશન એન્ડ આઇસોટોપ ટેક્નોલોજીના માર્ગદર્શન અને ટેક્નીકલ સમર્થન હેઠળ તૈયાર કરાયું છે. વર્ષ ૨૦૨૨માં યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર-એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસ (USDA-APHIS) દ્વારા મંજૂરી મળતા આ યુનિટ ગુજરાતનું સૌપ્રથમ અને દેશનું ચોથું USDA-APHIS સર્ટીફાઇડ ઈ-રેડિયેશન યુનિટ બન્યું છે. આ મંજૂરી મળ્યા બાદ ગુજરાતમાં કેરી અને દાડમ પકવતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળશે તેવી લાગણી મંત્રીએ વ્યક્ત કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, ઈ-રેડીયેશન યુનીટને USDA-APHISની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકારના સતત પ્રયત્નોના પરિણામે પ્રથમ ઉનાળાની સિઝનમાં દરમિયાન બે લાખ કિલોથી વધુ કેસર કેરીનું આ યુનિટ દ્વારા ઇ-રેડિયેશન કરી તેનો અમેરિકા અને દક્ષીણ આફ્રિકા સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, અગાઉ કેરી જેવા ફળોનો નિકાસ કરવા માટે ગુજરાતના ખેડૂતોએ મુંબઈ જઈ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવવું પડતું હતું. જેના પરિણામે ફળોનો બગાડ અને પરિવહન ખર્ચમાં વધારો થતો હતો. હવે આ યુનિટ કાર્યરત થવાથી ખેડૂતો અમદાવાદ-બાવળા ખાતે જ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવી નિકાસ કરી તેમના પાકનો ઉત્તમ ભાવ મેળવતા થયા છે.
વધુમાં મંત્રી પટેલે ઉમેર્યું હતું કે,કૃષિ વિભાગના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા અમદાવાદ એક જ જિલ્લામાં કેરીની નિકાસ માટે જરૂરી એવા ગામા ઇરેડિયેશન યુનિટ, ઇન્ટીગ્રેટેડ પેક હાઉસ અને પેરીશેબલ એર કાર્ગો કોમ્લેક્ષ સહિતની ત્રણેય મુખ્ય માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એમાં પણ USDA-APHISની મંજૂરી મળવાના કારણે હવે આ ત્રણેય સુવિધાઓનાં સંયોજિત ઉપયોગથી કેરી અને દાડમની ગુણવત્તાની જાણવણી, બગાડનો અટકાવ તથા પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળવાનો શરુ થયો છે. આગામી સમયમાં આ સુવિધાઓનો રાજ્યના ખેડૂતો મહત્તમ લાભ લે તે માટે પણ મંત્રીએ અપીલ કરી હતી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial