Shrinathji Dhwaja: કોરોના બાદ પ્રથમ વખત અમદાવાદમાં થઈ શ્રીનાથજીની ધ્વજાની પધરામણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કરશે દર્શન
મેમનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ પટેલ નામના વૈષ્ણવ ભક્તના ઘરે શ્રીનાથજી મંદિરના વિશાલ બાવાના હસ્તે ધ્વજા રોહણ કરવામાં આવ્યું. અમદાવાદમાં કોરોના બાદ પહેલીવાર શ્રીનાથજી મંદિરની ધ્વજાની પધરામણી થઈ રહી છે.
Shrinathji Dhwaja ji: અમદાવાદમાં રાજસ્થાનના નાથદ્વારાના વિશ્વપ્રસિદ્ધ શ્રીનાથજી મંદિરની ધ્વજની પધરામણી કરવામાં આવી. મેમનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ પટેલ નામના વૈષ્ણવ ભક્તના ઘરે શ્રીનાથજી મંદિરના વિશાલ બાવાના હસ્તે ધ્વજા રોહણ કરવામાં આવ્યું. અમદાવાદમાં કોરોના બાદ પહેલીવાર શ્રીનાથજી મંદિરની ધ્વજાની પધરામણી થઈ રહી છે.
ત્રણ દિવસ સુધી રાજુભાઈ પટેલના નિવાસસ્થાને ધ્વજા રાખવામાં આવશે. આ 3 દિવસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દર્શન માટે પધારશે. ત્રણ દિવસ સુધી અમદાવાદના વિવિધ વિસ્તારમાં રહેતા વૈષ્ણવજનોને ત્યાં ધ્વજાની પધરામણી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે શ્રીનાથજી ભગવાનના ભક્તો તેમના દર્શને તો જતા હોય છે, પરંતુ શ્રીનાથજી મંદિરની ધજા પણ દેશના વિવિધ વિસ્તારોમાં રહેતા વૈષ્ણવજનને ત્યાં પધરામણી કરે છે, મતલબ કે ખુદ શ્રીનાથજીના ત્યાં દર્શન આપવા માટે જાય છે.
કેટલા રંગની હોય છે શ્રીનાથજીની ધ્વજા
વૈષ્ણવોમાં પણ ધ્વજાજીનું ખૂબ મહત્ત્વ છે. નાથદ્વારા જતા વૈષ્ણવો શ્રીનાથજીના દર્શન બાદ ધ્વજાજીના અચૂક દર્શન કરે છે. વૈષ્ણવોના ઘર સુધી દર્શન કરાવવા ધ્વજાજીની પધરામણી કરાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે. શ્રીનાથજીની ધ્વજા સાત રંગોની હોય છે. ગૌ કૃષ્ણાવતી વહુજી મહારાજશ્રીએ સપ્તરંગી ધ્વજાજીનું ખૂબ સરસ ભાવનાત્મક વર્ણન કર્યું છે. જેમાં પ્રથમ મેઘશ્યામ રંગને શ્રીનાથજીના ભાવથી વર્ણવી છે તો બીજો પીળા રંગને શ્રી સ્વામીજીનો ભાવ દર્શાવ્યો છે. ત્રીજો શ્યામ રંગમાં શ્રી યમુનાજીનો ભાવ, ચોથો સફેદ રંગ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ, પાંચમો લીલો રંગ શ્રી રાધાસહચરીજીના ભાવથી વર્ણવી છે. તો છઠ્ઠો જાંબલી રંગ શ્રી ગિરિરાજજીના ભાવ અને સાતમા ગુલાબી રંગને ગોપીજનોના ભાવ સાથે વર્ણવાઇ છે. સ્થળસંકોચને કારણે દરેક રંગના ભાવ વિગતવાર વર્ણવવા શકય નથી પણ આ સાત રંગોને અન્ય પ્રસંગો સાથે પણ સરખાવ્યા છે. કૃષ્ણ ભગવાને સાત વર્ષની ઉંમરે સાત દિવસ સુધી ગોવર્ધન ધારણ કરેલ હતો. મહાપ્રભુજીએ શ્રીમદ્ ભાગવતની સાત રીતિઓ કરી હતી જેમાં સ્કન્ધાર્થે, પ્રકરાણાર્થે, અધ્યાર્થેમાં શ્લોક, પદ, શબ્દ અને અકારાર્થ એ સાત પ્રકારે અર્થ કરેલા છે. સાતને વધુ જોડતા કહે છે કે ગુંસાઇજીને સાત બાળકો હતાં. શ્રીજીનો પાટોત્સવ પણ મહાવદી સાતમનો આવે છે. શ્રીનાથજીના છ ધર્મો છે અને સાતમા ધર્મી સ્વરૂપ પ્રભુ પોતે જ છે. પ્રભુશ્રીની વેણુમાં સાત છિદ્રો છે. આમ ‘સાત’ વિવિધ પ્રકારે ધ્વજાજીના સાત રંગો સાથે સંકળાયેલ છે.