Hun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?
જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણી પોરબંદર નજીકના દરિયામાં વહાવવાના પ્રોજેક્ટના વિરોધમાં આજે અડધો દિવસ પોરબંદર બંધ રહ્યું. આ પ્રોજેક્ટનો વિરોધ પોરબંદરના લોકો, ખારવા સમાજ, સામાજીક સંસ્થાઓ કરી રહી છે. આજે અડધો દિવસ પોરબંદર બંધ જાહેર કરવામાં આવ્યું હતું. જેના સમર્થનમાં પોરબંદરના તમામ વેપારીઓ, માર્કેટિંગ યાર્ડ અને લોહાણા સમાજ અને સોની સમાજ સહિત તમામ લોકોએ દુકાન-ધંધા બંધ રાખી સમર્થન આપ્યું. માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ પણ બંધને સમર્થન આપ્યું તેમનું કહેવું હતું કે, કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવતા ખેડૂતોની જમીનમાં પણ નુકસાન થશે. ભવિષ્યમાં શાકભાજીને પણ અસર થઈ શકે છે. સાથે જ માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા ખારવા સમાજે જખૌથી લઈ કચ્છ જિલ્લાના માંડવી સુધીના દરિયાઈ પટ્ટીના ગામોમાં ધંધા રોજગાર બંધ રાખ્યા. અને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું. આગામી દિવસોમાં પ્રોજેકટ રદ નહીં કરાઈ તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. ગીર સોમનાથના વેરાવળમાં પણ માછીમારોએ બંધ પાળી આવેદનપત્ર પાઠવ્યું..માછીમારી બંધ રાખી મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા..માછીમારો અનુસાર, જેતપુરની ફેક્ટરીના દૂષિત પાણીને દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટથી માછીમારીના વ્યવસાયને અસર થશે..આમ પણ દરિયામાં પુરતી માછલીઓ મળતી નથી. જો દરિયામાં કેમિકલવાળું પાણી છોડાશે તો રોજીરોટી છીનવાઈ જશે. જુનાગઢ જિલ્લાના માછીમારોએ પણ આવેદન આપી વિરોધ વ્યક્ત કર્યો. માંગરોળ, ચોરવાડ પંથકના માછીમારોએ કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી કે, દૂષિત પાણીને કારણે માછલીઓની ખરીદી ઘટી જશે.