Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, આજે 71 તાલુકામાં નોંધાયો વરસાદ
Gujarat Rain Forecast: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 10 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આજે રાજ્યના 71 તાલુકામાં વરસાદ નોંધાયો

Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે ગુજરાતમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આઠ તાલુકામાં આજે 1થી 2.28 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. આજે દાહોદના સિંગવડમાં સૌથી વધુ 2.28 ઈંચ વરસાદ વરસ્યો. અમદાવાદના દેત્રોજમાં આજે 1.54 ઈંચ વરસાદ વરસ્યો. આજે દાહોદમાં 1.33, વલસાડમાં 1.22 ઈંચ વરસાદ વરસ્યો. આજે મોરવાહડફ, લીમખેડા, ઉમરપાડામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો. ગળતેશ્વર, ગરબાડામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો.
અંબાલાલ પટેલની વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે,બંગાળના ઉપસાગરમાં એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના પગલે 3થી 9 સપ્ટે.સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જામનગરમાં ભારે વરસાદ થશે. મોરબી, ચોટીલા, સુરેંદ્રનગર, ધ્રાંગધ્રામાં વરસાદ વરસશે.પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.
ભારે વરસાદની આગાહી
દાહોદ, પંચમહાલ, મહીસાગર, અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 41 થી 61 kmphની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અહીં 15 mm/hr થી વધુ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા 60% થી વધુ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થઈ શકે છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, અને ટ્રાફિક જામ થઈ શકે છે.
મધ્યમ વરસાદની આગાહી
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, મોરબી, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 40 kmph કરતાં ઓછી ઝડપે પવન સાથે 5 થી 15 mm/hr નો મધ્યમ વરસાદની શક્યતા છે. અહીં વીજળી પડવાની સંભાવના 30 થી 60% છે. આ પ્રકારના વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.
હળવો વરસાદ
જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.




















