Tata Motors: ટાટા મૉટર્સની ગાડીઓ થશે મોંઘી, 1લી જુલાઇથી વધી જશે કિંમત
Tata Motors Commercial Vehicles: ઓટોમોબાઇલ ક્ષેત્રે ટૉપ કંપની ગણાતી ભારતની ટાટા મૉટર્સે હવે ગ્રાહકોને ઝટકો આપ્યો છે
Tata Motors Commercial Vehicles: ઓટોમોબાઇલ ક્ષેત્રે ટૉપ કંપની ગણાતી ભારતની ટાટા મૉટર્સે હવે ગ્રાહકોને ઝટકો આપ્યો છે. દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મૉટર્સે પોતાના વ્હીકલની કિંમતમાં વધારો કરવાનું નક્કી કર્યુ છે. કંપનીએ તેના કૉમર્શિયલ વાહનોની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. ટાટા મૉટર્સના વાહનો લગભગ 2 ટકા મોંઘા થવા જઈ રહ્યા છે. નવી કિંમતો 1લી જુલાઈથી લાગુ કરવામાં આવશે. ટાટા મોટર્સે બુધવારે જણાવ્યું હતું કે કોમૉડિટીના ભાવમાં વધારાને કારણે તેણે તેના વાહનોના દરમાં વધારો કરવો પડ્યો છે. કંપનીનું કહેવું છે કે આ વધારો તમામ વેરિઅન્ટ પર અલગ-અલગ હશે.
ગઇ વખતે કંપનીએ માર્ચમાં વધારી હતી કિંમત
ટાટા મોટર્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, કંપની હાલમાં નવા ઉત્પાદનો લૉન્ચ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. આ વાહનોને ભારત, બ્રિટન, અમેરિકા, ઇટાલી અને દક્ષિણ કોરિયામાં જનરલ નેક્સ્ટ ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે. આ તમામ વાહનો આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે. આવકની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે છેલ્લે માર્ચમાં તેના કૉમર્શિયલ વાહનોના ભાવમાં 2 ટકાનો વધારો કર્યો હતો. નાણાકીય વર્ષ 2024માં ટાટા મોટર્સની આવક $52.44 બિલિયન રહી છે.
ટાટા મૉટર્સના સ્ટૉકે આ વર્ષે આપ્યું 26 ટકા રિટર્ન
આ વર્ષે ટાટા મોટર્સનો સ્ટોક (ટાટા મોટર્સ શેર્સ) પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. લગભગ 26.6 ટકાનો વધારો થયો છે. બુધવારે બપોરે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર કંપનીના શેર લગભગ 2.40 રૂપિયા (0.24 ટકા) તૂટ્યા હતા. ટાટા મોટર્સનો શેર 983 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેમાં સતત વધારો જોવા મળ્યો હતો. આ વર્ષે તેણે 1000 રૂપિયાનો આંક ઘણી વખત વટાવી દીધો છે.
ઇલેક્ટ્રિક અવતારમાં આવશે ફ્રીલાન્ડર
બીજી તરફ ટાટા મોટર્સની માલિકીની જગુઆર અને લેન્ડ રૉવરે પોતાની લોકપ્રિય કાર ફ્રીલેન્ડરને નવી શૈલીમાં લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે ચીનની ચેરી ઓટોમોબાઈલ સાથે હાથ મિલાવ્યા છે. ફ્રીલેન્ડરને ઇલેક્ટ્રિક અવતારમાં લાવવામાં આવશે. ફ્રીલેન્ડર લગભગ એક દાયકા પહેલા બંધ કરવામાં આવ્યું હતું.