(Source: Poll of Polls)
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
અન્નપૂર્ણા માતાજીના મંદિર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા લુખ્ખા તત્વોએ પૂજારી અને પરિવાર સાથે કરી મારામારી, CCTV ફૂટેજ વાયરલ.

Ahmedabad crime news: અમદાવાદ શહેરમાં પોલીસની સઘન કાર્યવાહી અને ટાંટીયાતોડ સર્વિસના દાવાઓ વચ્ચે પણ અસામાજિક તત્વોનો ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના પોશ વિસ્તાર ગણાતા વિક્ટોરિયા ગાર્ડન નજીક અન્નપૂર્ણા માતાજીના મંદિરના પૂજારી પર લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના 16 માર્ચના રોજ બની હતી અને તેના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક અસામાજિક તત્વો મંદિર અને પૂજારીના ઘર પાસે અપશબ્દો બોલી રહ્યા હતા. જ્યારે પૂજારીએ તેમને આવું કરવાની ના પાડી, ત્યારે આ લુખ્ખા તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને પૂજારી તેમજ તેમના પરિવારજનો સાથે છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. જાહેરમાં રોડ પર ખુલ્લેઆમ આ રીતે આતંક મચાવીને અસામાજિક તત્વોએ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે પોલીસની સતત હાજરી હોવા છતાં આવા બનાવો બનવા એ ચિંતાજનક બાબત છે. અસામાજિક તત્વો જાણે કાયદાનો ડર રાખતા જ ન હોય તેમ બેફામ બનીને જાહેર સ્થળો પર આ પ્રકારની ગુંડાગીરી કરી રહ્યા છે.
હાલમાં વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે સ્થાનિક પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવવાની અને તેમને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ ટૂંક સમયમાં આ અસામાજિક તત્વોને પકડીને કાયદાનું ભાન કરાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કર્યા છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને લોકો શાંતિથી પોતાનું જીવન જીવી શકે. પોલીસની તપાસ ક્યાં સુધી પહોંચે છે અને આ લુખ્ખા તત્વો ક્યારે પકડાય છે તે જોવું રહ્યું.
અમદાવાદ એરપોર્ટ નજીક હોટલમાં યુવતીની હત્યા, યુવક ફરાર
અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદુરમાં 22 વર્ષીય નસરીન બાનુ નામની યુવતીની હત્યા થઈ હતી. તેનો મૃતદેહ હોટલના રૂમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને યુવતી સાથે હોટલમાં આવેલા એક યુવક પર શંકા હતી, જે જમવાનું બહાનું કરીને ફરાર થઈ ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે નસરીન બપોરે એક યુવક સાથે હોટલમાં આવી હતી અને રૂમ બુક કરાવ્યો હતો. કલાકો સુધી યુવક પાછો ન ફરતા હોટલ સ્ટાફે રૂમ તપાસ્યો ત્યારે નસરીનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ફરાર યુવકની શોધખોળ શરૂ કરી હતી. મૃતક મૂળ ઉત્તર પ્રદેશની હતી અને અમદાવાદના રામોલમાં રહેતી હતી. પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ તપાસીને યુવકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને વધુ તપાસ ચાલુ છે.





















