અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
ભવાનીપુર નજીક હિંગોળજા વાંઢના પાંચ માલધારી બાળકો ભેંસો લેવા જતાં તળાવમાં ડૂબ્યા, ફાયર વિભાગ અને તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ યથાવત.

Anjar lake drowning: કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં રવિવારની બપોરે પાંચ બાળકો ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે. હિંગોળજા વાંઢના આ પાંચ બાળકો તળાવમાં ન્હાવા ગયા હતા, જે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી, જેમાં ચાર બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ એક બાળકની શોધખોળ ચાલુ છે. આ કરુણ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
અંજાર પ્રાંત અધિકારી એસ જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉદય પોલીસે સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમને સાથે રાખીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં ચાર બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી માટે તેમને અંજાર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
આ અંગે હિંગોરજા વાંઢના સ્થાનિક જુમાં હિંગોરજાએ જણાવ્યું હતું કે, આજે બપોરના સમયે જમ્યા બાદ વાંઢથી દૂર ભવાની પુર પાસેના તળાવમાં ન્હાતી ભેંસોને લેવા માટે માલધારી પરિવારના પાંચ બાળકો ગયા હતા. તળાવમાં ભેંસોને લેવા ગયા બાદ આ બાળકો પણ તળાવમાં ન્હાવા પડ્યા હતા અને એક પછી એક એમ તમામ પાંચ બાળકો ડૂબવા લાગ્યા હતા. સાંજ સુધી જ્યારે આ બાળકો ઘરે પરત ન ફર્યા ત્યારે પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી અને તળાવ પાસે પહોંચીને તંત્રને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ દુધઈ પોલીસ સ્ટાફ અને અંજાર વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ 108 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. હાલમાં 5 થી 13 વર્ષની ઉંમરના ચાર બાળકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પાંચમા બાળકની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ દુઃખદ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃહતક બાળકોના નામ
૧ - ઇસ્માઈલ સાલાર ( ઉમર ૮ વર્ષ)
૨- ઉમર અબ્દુલ રહેમાન ( ઉંમર ૧૧ વર્ષ)
૩ - સુલતાન જુસબ હિંગોરજા ( ૧૪ વર્ષ)
૪ - અલ્તાફ હિંગોરજા ( ઉમર ૯ વર્ષ)
૫ - અબ્ધરેમાન હિંગોજા ( ઉમર વર્ષ ૧૧)
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
