![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Crime News: કોર્ટમાં હાજરી આપવા ગયાને થયો જીવલેણ હુમલો, પ્રેમલગ્નથી નારાજ હતા આરોપીઓ
Crime News: હળવદની મામલતદાર કચેરી નજીક મંગળવારે બપોરના સુમારે ધોળા દિવસે ફાયરીંગનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફાયરિંગના નિષ્ફળ પ્રયાસ બાદ તીક્ષ્ણ હથિયાર વડે બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
![Crime News: કોર્ટમાં હાજરી આપવા ગયાને થયો જીવલેણ હુમલો, પ્રેમલગ્નથી નારાજ હતા આરોપીઓ Attack on two persons who came to attend court at Halwad Crime News: કોર્ટમાં હાજરી આપવા ગયાને થયો જીવલેણ હુમલો, પ્રેમલગ્નથી નારાજ હતા આરોપીઓ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/27/e962513d68897a5b244f828b345f191f1703687343018397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Crime News: હળવદની મામલતદાર કચેરી નજીક મંગળવારે બપોરના સુમારે ધોળા દિવસે ફાયરીંગનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફાયરિંગના નિષ્ફળ પ્રયાસ બાદ તીક્ષ્ણ હથિયાર વડે બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે હળવદ પોલીસે આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૂળ હળવદના દેવળિયાના વતની અને હાલ જામનગર રહેતા પ્રદ્યુમ્નસિંહ દશરથસિંહ ઉર્ફે દશુભા પરમારે આરોપી રાજેશ ઉર્ફે મુન્નાભાઈ મનજીભાઈ ભોરણીયા અને પ્રેમ ઉર્ફે કાનો રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભોરણીયા રહે બંને જુના દેવળિયા તા. હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે હળવદ કોર્ટમાં મુદત હોવાથી ફરિયાદી પ્રદ્યુમનસિંહ અને તેના ભાઈ પંકજ જામનગરથી સવારના નીકળ્યા હતા અને હળવદ કોર્ટમાં સાડા દશેક વાગ્યે પહોંચ્યા હતા. જ્યાં ફરિયાદીનો ભાઈ અને ગામના ભાણુભા કુલદીપસિંહ દેવેન્દ્રસિંહ જાડેજા રહે મોરબી વાળા બંને એક બાઈક લઈને કોર્ટ મુદતે આવ્યા હતા.
કોર્ટમાં મુદત પૂરી થતા આશરે સવા અગિયાર વાગ્યાના અરસામાં કોર્ટમાંથી બહાર નીકળ્યા હતા જેમાં ફરિયાદી, તેનો ભાઈ અને ભાણુભા ત્રણેય એક બાઈકમાં બેસી હળવદ સરા ચોકડી જવા નીકળ્યા ત્યારે મામલતદાર કચેરીના ગેટ પાસે એક કાર ફૂલ સ્પીડમાં આવી બાઈક પાસેથી પસાર થઇ ગેટના ફૂટપાટ સાથે અથડાઈ હતી. જેથી પ્રદ્યુમ્નસિંહે બાઈક દરવાજા અંદર લેતા બાઈક આડું પડી ગયું હતું અને ગેટ પાસે પડેલ કાર પાસે ગયા ત્યારે અચાનક બે ઇસમ છરી વડે હુમલો કરવા લાગ્યા હતા. જે જુના દેવળિયાના રાજેશ અને તેનો દીકરો પ્રેમ હતા. બંનેના હાથમાં છરી હતી અને ઉપરા ઉપરી બંને ભાઈ પર છરીના ઘા મારી દીધેલ જેમાં રાજેશ નામના આરોપીએ મારી નાખવાના ઈરાદે ફરિયાદીને ડાબી બાજુ પેટના પડખાના ભાગે બે ઘા મારી તેમજ પ્રેમ નામના આરોપીએ એક ઘા પીઠ પાછળ માર્યો હતો.
તેમજ પંકજને પણ આરોપી પિતા-પુત્રએ પેટ અને શરીરના ભાગે છરીના ઘા મારી દીધા હતા. આરોપી રાજેશે નેફામાંથી નાની પિસ્તોલ કાઢી પ્રદ્યુમ્નસિંહ સામે તાકી હતી જેથી ફરિયાદીએ તુરંત તેનો પિસ્તોલ વાળો હાથ ઉપર કરી પિસ્તોલ ઝૂંટવીને કોર્ટ તરફ દોડીને ભાગી ગયો હતો અને કોર્ટની અંદર પહેલા માળે એક રૂમમાં બચાવ માટે જતો રહ્યો હતો. ત્યાર બાદ તેણે ઝૂંટવી લીધેલ પિસ્તોલ ટેબલ પર મૂકી દીધી હતી જ્યાં હાજર પોલીસ સ્ટાફે ઈજાગ્રસ્તને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા. તેમજ ફરિયાદીના ભાઈ પંકજને પણ બીજા વાહનમાં સારવાર માટે લઇ ગયા હતા જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રવાના કર્યા હતા.
આમ જુના દેવળિયા ગામના રાજેશ ઉર્ફે મુન્નો મનજી ભોરણીયાની દીકરી તુલસી સાથે ફરિયાદીએ પ્રેમલગ્ન કર્યા હોય જેથી આરોપી રાજેશ અને તેનો દીકરો પ્રેમ બંને પ્રેમલગ્નથી નારાજ હોય જેનો ખાર રાખી હળવદ મામલતદાર કચેરી નજીક છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાના ઈરાદે છરી વડે હુમલો કરી પિસ્તોલ બતાવી ફાયરીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ફરિયાદીએ પિસ્તોલ ઝૂંટવી લઈને બંને નાસી ગયા હતા. હળવદ પોલીસે બંને આરોપી પિતા પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)