Bhupat Aahir: ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ અને ખૂંખાર ગુનેગાર ભૂપત બહારવટીયો ઝડપાયો, 12 વર્ષની વયથી જ ચડી ગયો હતો ગુનાખોરીના રવાડે
Crime News: સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે મોસ્ટ વોન્ટેડ અને ખૂંખાર ગુનેગાર ભૂપત આહીર ઉર્ફે ભૂપત બહારવટીયા મુંબઈમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી ઝડપી લેવાયો હતો.
Surat Crime News: ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ અને ખૂંખાર ગુનેગાર ભૂપત આહીર ઉર્ફે ભૂપત બહારવટીયાને સુરત ક્રાઇમબ્રાંચ દ્વારા એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી મુંબઇથી ઝડપી પાડવામાં આવ્યો છે. ભૂતકાળમાં આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે પોલીસ ઉપર ફાયરિંગ કરતા પણ અચકાતો ન હતો. આ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે 4 દિવસના એક ગુપ્ત ઓપરેશન બાદ તેની ધરપકડ કરી છે. પોલીસે ચાર દિવસ સુધી વેશ પલટો કરી આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી. માત્ર 12 વર્ષની ઉંમરે જ ગુનાખોરીના રવાડે ચડી ગયેલા ભૂપત આહીર સામે 35થી વધુ ગંભીર ગુનાઓ ભૂતકાળમાં નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું.
કેવી રીતે પકડાયો
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે મોસ્ટ વોન્ટેડ અને ખૂંખાર ગુનેગાર ભૂપત આહીર ઉર્ફે ભૂપત બહારવટીયા મુંબઈમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી. પોલીસે 4 દિવસ સુધી એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને આખરે આરોપી ભૂપત આહિરને ઝડપી પાડ્યો હતો. ભૂપત આહીરને પકડવા સુરત શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા અગાઉ રાજસ્થાન, બિહાર વિગેરે રાજ્યોમાં રાત દિવસ તેને પકડવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ તે હાથ લાગ્યો ન હતો.ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈથી આરોપીને ઝડપી પાડ્યો હતો.
2022માં સુરતના વરાછામાં હીરા કારખાનેદારની કરી હતી હત્યા
ગત વર્ષ તા.13/09/2022ના રોજ બપોરના સમયગાળા દરમ્યાન વરાછા, માતાવાડી કમલપાર્ક સોસાયટીમાં હિરાની ઓફીસ ધરાવતા પ્રવિણભાઇ ભીખાભાઇ નકુમની તેમની જ ઓફિસમાં બંન્ને હાથે લેસ પટ્ટા વડે બાંધી હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગીરીશભાઇ ઉર્ફે ગૌરવ ડાહ્યાભાઇ નકુમ અને આશીષ ધનજીભાઇ ગાજીપરાની ધરપકડ કરી હતી અને તેઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી ગીરીશ નકુમ પ્રવીણભાઈની ઓફીસની નજીક જ હીરાની ઓફીસ ધરાવતો હતો અને તેઓની સાથે 9 મહિનાથી હીરાની લેતીદેતીનો વેપાર કરતો હતો. જેથી પ્રવીણભાઈની ઓફિસમાં રોકડ રૂપિયા તથા 10થી 12 લાખના હીરા હોવાની તેને જાણ હતી અને રૂપિયા કમાવવાના ઈરાદે તેણે પ્રવીણભાઈની ઓફિસમાં લૂંટ કરવા માટેની ટીપ ભૂપત આહીરને આપી હતી,જેથી ભૂપત આહિરે આશિષ ગાજીપરા સાથે પ્રવીણભાઈની ઓફિસમાં ઘૂસ્યો હતો અને બાદમાં આશીષ ગાજીપરાએ પ્રવીણભાઈને પકડી રાખ્યા હતા જ્યારે ભુપત આહીરે પોતાના પાસે રહેલ લોખંડ પાઇપ વડે પ્રવીણ ભાઈને માથામાં ઉપરા છાપરી ઘા મારી લોહીલુહાણ કરીને હાથ પગ બાંધીને તેઓની ઓફિસમાંથી હિરા તથા રોકડ રૂપિયા આશરે ત્રણ લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં ભૂપત આહીર પોલીસ પકડથી દુર હતો.
12 વર્ષની વયે જ ચડી ગયો હતો ગુનાખોરીના રવાડે
પોલીસે જણાવ્યું હતું કે આરોપી 1979ની સાલમાં તે બાર વર્ષનો હતો ત્યારથી જ ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો. હાલમાં તેની ઉમર 56 વર્ષ છે. આરોપી ચોરી, લૂંટ,ધાડ, અપહરણ, આર્મ્સ એક્ટ, મારામારી, ખંડણી, ધમકી જેવા ગંભીર ગુના આચરી ચુક્યો છે. ભૂતકાળમાં તે 35થી વધુ ગંભીર ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચના પી.આઈ. લલિત વેગડીયાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 મહિનાથી આરોપીને પકડવા માટે પોલીસની ટીમ કામે લાગી હતી. આ દરમ્યાન આરોપી મુંબઈમાં હોવાની માહિતી મળતા જ ગુપ્ત ઓપરેશન હાથ ધરીને તેને રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ 12 વર્ષની ઉમરે સૌથી પહેલી ચોરી તેના ગામમાં કરી હતી અને ત્યારથી જ તે ગુનાના રવાડે ચડી ગયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી વેશ પલટો કરીને અલગ અલગ વેશ ધારણ કરતો હતો. અને કોઈ એક જગ્યાએ 10થી 15 દિવસથી વધુ સમય રોકાતો ન હતો. આ ઉપરાંત પોલીસ પકડવા જાય ત્યારે તે હુમલો કરતા પણ ખચકાતો ન હતો.