Crime News: અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, ₹61 લાખ સામે ₹1.68 કરોડ વસૂલ્યા, છતાં વધુ ₹2.20 કરોડની ઉઘરાણી
DMV નામની મ્યુઝિક ચેનલમાં નુકસાન થયા બાદ સંગીતકાર મિતેશ બારોટને 2020 માં તેમની કંપની શરૂ રાખવા માટે પૈસાની જરૂર પડી હતી, જેના કારણે તેઓ વ્યાજખોરોના સંપર્કમાં આવ્યા.

Ahmedabad moneylenders case: અમદાવાદમાં પોલીસની કડક કાર્યવાહી છતાં વ્યાજખોરોના આતંકના ગંભીર કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં એક મ્યુઝિક પ્રોડ્યુસર મિતેશ બારોટ આ વ્યાજખોરોના ચુંગલમાં ફસાયા છે. છ વ્યાજખોરોએ મિતેશ બારોટને 10 થી 15 ટકાના ઊંચા વ્યાજે ₹61 લાખની રકમ આપી હતી. જોકે, ફરિયાદીએ વ્યાજ સહિત ₹1.68 કરોડ ચૂકવી દીધા હોવા છતાં, આરોપીઓ વધુ ₹2.20 કરોડની અસહ્ય ઉઘરાણી કરતા હતા. એટલું જ નહીં, વ્યાજખોરોએ મ્યુઝિક પ્રોડ્યુસરના એકના એક પુત્રનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમનું મકાન પચાવી પાડવા માટે સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે બળજબરીપૂર્વક બાનાખત પણ કરાવ્યું હતું. મિતેશ બારોટની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.
સંગીતકાર કેવી રીતે વ્યાજખોરોના ચુંગલમાં ફસાયા?
DMV નામની મ્યુઝિક ચેનલમાં નુકસાન થયા બાદ સંગીતકાર મિતેશ બારોટને 2020 માં તેમની કંપની શરૂ રાખવા માટે પૈસાની જરૂર પડી હતી, જેના કારણે તેઓ વ્યાજખોરોના સંપર્કમાં આવ્યા.
- પ્રારંભિક રકમ: મિતેશ બારોટે શરૂઆતમાં 10 ટકાના વ્યાજે ₹5 લાખ ઉછીના લીધા હતા, પરંતુ નુકસાન વધતા આ રકમ વધીને છ વ્યાજખોરો પાસેથી 10 થી 15 ટકાના ઊંચા વ્યાજે કુલ ₹61 લાખ થઈ ગઈ હતી.
- વસૂલાતની રકમ: પોલીસ સૂત્રો (ACP ડી.વી. રાણા) ના જણાવ્યા મુજબ, ફરિયાદીએ વ્યાજ સહિત કુલ ₹1.68 કરોડ ચૂકવી દીધા હતા.
- વધુ ઉઘરાણી: આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ, વ્યાજખોરો દ્વારા વધુ ₹2.20 કરોડની માગણી કરવામાં આવતી હતી.
બળજબરી અને ધમકીઓ: મકાન પડાવી લેવાનો પ્રયાસ
વ્યાજખોરોએ પોતાની ઉઘરાણી માટે ધમકી અને બળજબરીનો સહારો લીધો હતો, જેનાથી ફરિયાદીના પરિવારનું જીવન જોખમમાં મુકાયું હતું.
- આરોપીઓ: ફરિયાદમાં અનુજ ઉર્ફે કરણ દેસાઈ, વિશાલ દેસાઈ, જીગર દેસાઈ, નિખિલ રબારી, ભાવેશ દેસાઇ અને ઈશ્વર ઉર્ફે ઈશુ દેસાઈ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ છે.
- માનસિક ત્રાસ: આરોપીઓ ફરિયાદીના ઘરે જઈને ધાકધમકી આપતા હતા અને તેમની પત્નીને પણ ગાળાગાળી કરતા હતા.
- બળજબરીપૂર્વક કબજો: વ્યાજખોરોએ ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક કોરા ચેક અને સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવ્યા હતા.
- અપહરણની ધમકી: ગત તારીખ 1 મે, 2025 ના રોજ આરોપીઓએ મિતેશભાઈના એકના એક પુત્રનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મિતેશ બારોટને 45 વર્ષની ઉંમરે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી.
- બાનાખત: ધમકીના દબાણ હેઠળ આરોપીઓ મિતેશભાઈનું ઘર પડાવી લેવા માટે તેમને નરોડા રજિસ્ટ્રાર કચેરીએ લઈ ગયા હતા અને મકાન પર લોન ચાલતી હોવા છતાં બળજબરીથી રજિસ્ટર્ડ બાનાખત કરાવ્યું હતું.
ચાંદખેડા પોલીસે આ 6 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આરોપીઓના ગુનાહિત ભૂતકાળની પણ તપાસ કરશે અને વ્યાજખોરોના ભયથી ફરિયાદ આપતા ડરતા અન્ય લોકોનો પણ સંપર્ક કરશે.





















