બેંક મેનેજર દીકરાને કેનેડા જવા પૈસા નહોતો આપતો તો પત્નિએ પતિને સાતમા માળેથી ફેંકીને પતાવી દીધો, જાણો ચોંકાવનારી ઘટના
મુંબઈમાં મહિલાએ તેના દિકરા સાથે મળીને બેન્ક મેનેજર પતિની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
મુંબઈઃ મુંબઈમાં મહિલાએ તેના દિકરા સાથે મળીને બેન્ક મેનેજર પતિની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પતિની લાશ સાતમા માળેથી નીચે ફેંકી દીધી હતી. હત્યા પછી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલી લીધો છે. શુક્રવારે સાંજે પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે.
શુક્રવારે મુંબઈની પશ્ચિમ વિરા દેસાઈ રોડ વિસ્તારમાં બેંક મેનેજરની હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ સંતન કુમાર શેષાદ્રી તરીકે કરાઈ છે. તે સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયાના આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ પર કાર્યરત હતો. વહેલી સવારે 4.54 વાગે હત્યા થઈ હતી. મૃતદેહ જોઈને મોર્નિંગ વોક પર નીકળેલા પડોશીએ ફોન કરીને પોલીસને માહિતી આપી હતી.
અંબોલી પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર અબ્દુલ રઉફે જણાવ્યું કે ઘરમાં પતિને માર્યા પછી મહિલા અને તેના દિકરાએ તેને આત્મહત્યા ગણાવવા માટે પતિને ફ્લેટની બાલ્કનીમાંથી નીચે ફેંક્યો હતો. રઉફે જણાવ્યું કે અમે સંતન કુમાર શેષાદ્રીની હત્યાના આરોપમાં તેમની પત્ની જયશીલા અને દિકરા અરવિંદની ધરપકડ કરી લીધી છે.
આરોપીઓએ કબુલ્યું હતું કે તેઓ મૃતકથી કંટાળી ગયા હતા. કારણકે તે પરિવાર પર ધ્યાન જ નહોતો આપતો. પૂરતો ઘરખર્ચ પણ આપતો નહોતી તેમજ નાની નાની વાતે ઝઘડા કરતો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, અરવિંદે બે વર્ષ પહેલાં જ એન્જિનિયરિંગ કમ્પલિટ કર્યું છે અને તે હાયર સ્ટડી માટે કેનેડા જવા માંગતો હતો. પરંતુ પિતા તેને પૈસા આપવા તૈયાર નહોતો. આ જ કારણથી ગુરુવારે સાંજે પરિવારમાં ઝઘડો થયો હતો. પરિણામે તે રાતે જ મા-દિકરાએ ભેગા મળીને સંતન કુમારની હત્યા કરી દીધી હતી.
પોલીસે તપાસ કરતાં ઘરની છત પર લોહીના ડાઘ હતા અને રૂમનો સામાન પણ અસ્તવ્યસ્ત હતો. પોલીસ થોડી જ વારમાં સમગ્ર વાત સમજી ગયા હતા કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. ત્યાર પછી માતા અને દિકરાની અલગ અલગ કડક રીતે પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલી લીધો છે. જોકે પૂછપરછમાં પત્નીએ જણાવ્યું કે, તે પહેલાં પણ બે વખત આત્મહત્યાનો પ્રયત્ન કરી ચૂક્યો છે. સંતન કુમારની બે વર્ષ પહેલાં જ ચેન્નાઈથી મુંબઈ ટ્રાન્સફર થઈ હતી.