ટેમ્પોના ભાડા માટે ઝઘડો કરી રહેલો નકલી DSP ઝડપાયો, પરીક્ષા પાસ ના થઈ તો બની ગયો નકલી DSP
ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારના કારગિલ ચોકમાંથી પોલીસના હાથે નકલી ડીએસપી ઝડપાયો છે. ધરપકડ કરાયેલ નકલી ડીએસપી વિજય કુમાર ભારતી છે, જે બિહારના મધુબની જિલ્લાના જરૌલી ગામનો રહેવાસી છે.
Patna: બિહારની રાજધા પટનામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં શહેરના ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારના કારગિલ ચોકમાંથી પોલીસના હાથે નકલી ડીએસપી ઝડપાયો છે. ધરપકડ કરાયેલ નકલી ડીએસપી વિજય કુમાર ભારતી છે, જે બિહારના મધુબની જિલ્લાના જરૌલી ગામનો રહેવાસી છે. તેની પાસેથી પોલીસ યુનિફોર્મ, નેમ પ્લેટ અને સ્ટાર પણ મળી આવ્યા છે. બુધવારે આ બાબતનો ખુલાસો કરતા ડીએસપી ટાઉન અશોક કુમારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, આ નકલી DSP વિજય કુમાર ભારતીને આગળની કાર્યવાહી માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી રહ્યો છે.
ટેમ્પો ચાલક સાથે કર્યો ઝઘડોઃ
આ અંગે ડીએસપી ટાઉન અશોક કુમારે જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે કારગિલ ચોક પાસે ટેમ્પો ચાલક અને એક વ્યક્તિ વચ્ચે ભાડાને લઈને ઝઘડો થયો હતો. હંગામો જોઈને ગાંધી મેદાન પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ ટીમ ત્યાં પહોંચી ત્યારે ટેમ્પો ચાલક સાથે ઝઘડો કરનાર વ્યક્તિએ પોતાને DSP ગણાવ્યો હતો. જો કે, ભાડા માટે ઝઘડો કરતા આ DSP ઉપર ગાંધી મેદાન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને શંકા ગઈ હતી અને તેમણે તે વ્યક્તિ પાસે તેનું આઈકાર્ડ માંગ્યું હતું. જેના પછી તેણે પોલીસને આઈડી કાર્ડ બતાવ્યું હતું પરંતુ પેટ્રોલિંગ ટીમે આ નકલી આઈકાર્ડને જોયું અને પછી તેની તપાસ કરી હતી જેમાં આ નકલી DSPનો ભાંડો ફુટી ગયો હતો.
BPSCની તૈયારી કરતો હતો વિજય:
પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનના પ્રભારી અને ASI પ્રમોદ કુમારે મંગળવારે રાત્રે કારગિલ ચોકમાંથી આ નકલી ડીએસપીને પકડ્યો હતો, જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો મામલો સામે આવ્યો. વિજયે પોલીસને જણાવ્યું હતું કે, તે ઘણા પોલીસ સ્ટેશનમાં પેરવી પણ કરી ચૂક્યો છે. તેણે પોલીસને જણાવ્યું કે તે પટનામાં રહીને BPSCની તૈયારી કરતો હતો, પરંતુ પરીક્ષામાં સફળ થયો ન હતો. વિજય જ્યારે તેના ગામમાં ગયો ત્યારે લોકોએ BPSC વિશે પૂછ્યું તો તેણે ખોટું કહ્યું હતું કે, તે BPSC પાસ કરીને DSP બની ગયો છે. આ પછી ગામ સહિત અન્ય ઘણા લોકોએ તેને સાબિત કરવા કહ્યું, પછી તે નકલી ડીએસપી બન્યો હતો અને ઘણા પોલીસ સ્ટેશનમાં પણ ગયો હતો.