surat: નવસારીમાં ઓનર કિલીંગની આશંકા? યુવતીના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે
નવસારીના ઓનર કિલિંગની આશંકાના કેસમાં આજે મૃતક યુવતીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
નવસારીના ઓનર કિલિંગની આશંકાના કેસમાં આજે મૃતક યુવતીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પ્રેમી બ્રિજેશ પટેલની ફરિયાદ બાદ સુરત રેન્જ આઈજીએ પોલીસને તપાસના આદેશ કરતા મંગળવારના પોલીસે કલથાણના કબ્રસ્તાનમાંથી પંચોની હાજરીમાં યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યાંથી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાત્રીના સુરત લવાયો હતો. આજે નિષ્ણાંતોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. હાલ જલાલપોર પોલીસમાં જાણવાજોગ નોંધ કરી પોલીસે તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. નવસારીમાં યુવતીના મોતના રહસ્ય પરથી આજે પડદો ઉઠશે.
નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ગામે યુવતીની હત્યા કે આત્મહત્યાની આશંકાના મુદ્દે રેન્જ આઈજીને થયેલી ફરિયાદના પગલે નવસારી જિલ્લા પોલીસ દ્વારા કલથાણ ગામેથી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને ફોરેન્સિક પીએમ માટે સુરત મોકલવામાં આવ્યો હતો. મૂળ અબ્રામા ગામની યુવતી અને ખેરગામના યુવાન બ્રિજેશ પટેલ વચ્ચે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ આંતર જ્ઞાતિય લગ્ન બાબતે વિવાદો થતા યુવતીને પરિવારના સભ્યો પોતાના ઘરે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવતી ગુમ થયાની વાતો બહાર આવી હતી સમગ્ર ઘટનાક્રમને પગલે પ્રેમી યુવાન બ્રિજેશ પટેલ દ્વારા સુરત રેન્જના આઈ.જી પિયુષ પટેલને અરજી આપવામાં આવી હતી અને જેના પગલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો જેમાં વિવિધ આશંકાઓને પગલે કોર્ટની મંજૂરી મેળવીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને પેનલ પીએમ કરવા માટે સુરત મોકલવામાં આવ્યો હતો.
યુવતી દ્વારા આત્મહત્યા પહેલા લખવામાં આવેલી સુસાઇડ નોટની પણ પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે એમાં ખાસ કરીને યુવતીના પોતાના હાથે લખવામાં આવેલી છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. પેનલ પીએમમાં યુવતીની હત્યા કરવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ કરાશે. સાથે યુવતીના પરિવારના સભ્યો સામે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
સુરતના કીમ વિસ્તારમાં ઓટલા પર બેસવા બાબતે જૂથ અથડામણ, પોલીસે 8 ની કરી ધરપકડ
સુરતના કીમ વિસ્તારમાં આશિયાના નગરમાં રાત્રીના સમયે ઓટલા પર બેસવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. બોલાચાલીમાં વાત વણસી અને જોતજોતામાં બે જૂથના લોકો વચ્ચે મારામારી થઇ હતી. મારામારીની ઘટના અંગે જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને સ્થિતિ થાળે પાડી હતી. પોલીસે મોડીરાત્રે બંને પક્ષની સામાસામી ફરિયાદ નોંધી અને 8 આરોપીની ધરપકડ કરી હતી. મારામારીનો આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો હતો.
Surat: હર્ષ સંઘવીએ સુરત RTO કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરતા અધિકારીઓમાં દોડધામ
સુરત: વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરત RTO કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ગેરરીતિ અને કૌભાંડની અનેક ફરિયાદ વચ્ચે હર્ષ સંઘવી સુરત RTOની ઓચિંતી મુલાકાતે પહોંચતા કર્મચારીઓથી લઈને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. RTO બહાર અડ્ડો જમાવીને બેઠેલા એજન્ટોમાં પણ નાસભાગ મચી ગઈ હતી.
હર્ષ સંઘવીએ અલગ-અલગ વિભાગની મુલાકાત લીધી હતી. ડ્રાઈવિંગ ટેસ્ટમાં કેટલા લોકો પાસ થયા અને કેટલા લોકો નાપાસ થયા તેની માહિતી મેળવી હતી. ડ્રાઈવિંગ લાઈસન્સ માટેની પ્રક્રિયા અંગે પણ જાણકારી મેળવી હતી. અરજદારોને કોઈ હાલાકી ન નડે તેનું ખાસ ધ્યાન રાખવા અધિકારીઓને સૂચના આપી હતી