NTA હવે રિટાયર્ડ IAS ઓફિસરના હવાલે ! જાણો કોણ છે નવા DG પ્રદીપ સિંહ ખરોલા?
NEET-UG અને UGC-NETમાં થયેલા વિવાદ બાદ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા કરવી પડી હતી અને વિપક્ષ આ મુદ્દે સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના વડા સુબોધ કુમાર સિંહને શનિવારે રાત્રે NEET-UG અને UGC-NET પરીક્ષાઓના સંચાલનમાં ગેરરીતિઓના આરોપોને પગલે તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેમને કર્મચારી અને તાલીમ વિભાગમાં અનિવાર્ય પ્રતીક્ષા પર મુકવામાં આવ્યા છે અને નિયમિત વડાની નિમણૂક થાય ત્યાં સુધી અથવા આગળના આદેશો સુધી તેમના સ્થાને 1985 બેચના નિવૃત્ત અધિકારી પ્રદીપ સિંહ ખરોલાને નવા ડીજી બનાવવામાં આવ્યા છે.
Shri Pradeep Singh Kharola, IAS (KN:85) (Retd.) assigned charge of Director General, National Testing Agency, Ministry of Education. pic.twitter.com/No86pM9Gfr
— Ministry of Education (@EduMinOfIndia) June 22, 2024
નોંધનીય છે કે NTA છેલ્લા બે મહિનાથી દેશની બે સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓ- નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન-નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (યુજીસી-નેત)માં કથિત અનિયમિતતા અને પેપર લીકને વિવાદોમાં ઘેરાયેલ છે. NEET-UG અને UGC-NETમાં થયેલા વિવાદ બાદ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા કરવી પડી હતી અને વિપક્ષ આ મુદ્દે સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં NTA ચીફને હટાવીને સરકારે મોટું પગલું ભર્યું છે.
કોણ છે IAS અધિકારી પ્રદીપ સિંહ ખરોલા?
નિવૃત્ત IAS અધિકારી પ્રદીપ સિંહ ખરોલા 1985 બેચના અધિકારી છે. તેમણે વિવિધ મહત્વના પદો પર પોતાની જવાબદારીઓ નિભાવી છે. પ્રદીપ સિંહ ખરોલાએ એર ઈન્ડિયાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે પણ સેવા આપી છે. તેમણે બેંગલુરુ મેટ્રોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.
અનેક મહત્વના પદો પર રહી ચૂક્યા છે
નિવૃત્ત IAS અધિકારી પ્રદીપ સિંહ ખરોલા બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર હતા જ્યારે 1997માં તેની રચના થઈ હતી. તેઓ કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ 2001 થી 2009 દરમિયાન કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર હતા અને પરત ફર્યા બાદ અન્ય હોદ્દાઓ સાથે તેમણે તત્કાલિન મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરના અગ્ર સચિવનું પદ પણ સંભાળ્યું હતું.
ઉત્તરાખંડના રહેવાસી છે
પૂર્વ IAS ખરોલા કર્ણાટક કેડરના અધિકારી છે. અહેવાલો અનુસાર, તેઓ ઉત્તરાખંડના દેહરાદૂનના રહેવાસી છે. તેમનો જન્મ 15 સપ્ટેમ્બર, 1961ના રોજ થયો હતો. વર્ષ 2015માં પ્રદીપ સિંહ ખરોલાને કર્ણાટક સરકારના પ્રવાસન વિભાગના અધિક મુખ્ય સચિવ પદનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. ખરોલાએ વર્ષ 2013માં કર્ણાટક અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ડ ફાઈનાન્સ કોર્પોરેશનના ચેરમેન પદ સંભાળ્યું હતું. આ સિવાય પણ તેમણે અનેક મહત્વના હોદ્દાઓ પર મહત્વની ભૂમિકા ભજવી છે.
ગયા વર્ષે સુબોધ કુમાર સિંહ NTA ચીફ બન્યા હતા.
મૂળ ઉત્તર પ્રદેશના વતની સુબોધ કુમારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂડકીમાંથી એન્જિનિયરિંગમાં સ્નાતક અને માસ્ટર ડિગ્રી અને ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU), નવી દિલ્હીમાંથી MBA કર્યું છે.
સાત સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના
અગાઉ શનિવારે, શિક્ષણ મંત્રાલયે NEET અને UGC-NET વિવાદ વચ્ચે પરીક્ષાઓનું સરળ, પારદર્શક અને ન્યાયી સંચાલન સુનિશ્ચિત કરવા નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
સાત સભ્યોની આ સમિતિનું નેતૃત્વ ઈસરોના ભૂતપૂર્વ વડા ડૉ કે.રાધાકૃષ્ણન કરી રહ્યા છે. આ સમિતિમાં ડૉ. રણદીપ ગુલેરિયા, પંકજ બંસલ, આદિત્ય મિત્તલ, પ્રો. બી.જે. રાવ, પ્રો. રામમૂર્તિ કે અને ગોવિંદ જયસ્વાલનો પણ સમાવેશ થાય છે. આ સમિતિ બે મહિનામાં પોતાનો રિપોર્ટ મંત્રાલયને સુપરત કરશે.
Education Loan Information:
Calculate Education Loan EMI