PM Modi Oath Ceremony: કેરળમાં ભાજપની એન્ટ્રી કરાવનારા સાંસદ સુરેશ ગોપી બન્યા મંત્રી
કેરળના પ્રથમ બીજેપી સાંસદ સુરેશ ગોપીને પણ રાજ્યકક્ષાના મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. કેરળના ઈતિહાસમાં ગોપી એકમાત્ર ભાજપના સાંસદ છે.
PM Modi Oath Ceremony: કેરળના પ્રથમ બીજેપી સાંસદ સુરેશ ગોપીને પણ રાજ્યકક્ષાના મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. કેરળના ઈતિહાસમાં ગોપી એકમાત્ર ભાજપના સાંસદ છે. સુરેશ ગોપીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સુરેશ ગોપી કેરળથી આવે છે અને ભાજપના સાંસદ છે. તેઓ મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર પણ રહી ચૂક્યા છે. તેઓ કેરળના એકમાત્ર ભાજપના સાંસદ છે. આ વખતે તેઓ ત્રિશૂર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.
લોકસભા ચૂંટણીમાં ત્રિશૂર લોકસભા સીટ જીતીને સુરેશ ગોપીએ કેરળમાં પહેલીવાર ભાજપનું ખાતું ખોલાવ્યું છે. સુરેશ ગોપીએ ત્રિશૂર બેઠક પરથી ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના વીએસ સુનીલ કુમાર સામે 74,686 મતોના જીત મેળવી હતી. સુનીલકુમાર બીજા ક્રમે રહ્યા હતા. સુરેશ ગોપીને કુલ 4,12,338 વોટ મળ્યા હતા.
સુરેશ ગોપી મલયાલમ સિનેમામાં છે મોટું નામ
સુરેશ ગોપીનો જન્મ કેરળના અલપ્પુઝામાં 1958માં થયો હતો. ઝૂલોજીમાં સ્નાતકની ડિગ્રી પછી સુરેશ ગોપીએ અંગ્રેજી સાહિત્યમાં એમએની ડિગ્રી મેળવી હતી. સુરેશ ગોપી એક્ટર હોવા ઉપરાંત પ્લેબેક સિંગર પણ છે. મલયાલમ સિનેમામાં તેઓ એક મોટું નામ છે. તેમણે તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે
સુરેશ ગોપીની 32 વર્ષની ફિલ્મી કરિયર છે. તેમની અભિનય કારકિર્દીની પ્રથમ મોટી સફળતા 1992ની ફિલ્મ થલાસ્તાનમથી મળી હતી. તેમણે 250 થી વધુ ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા દર્શાવી છે. 1997માં આવેલી ફિલ્મ લેલમમાં તેના પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. બીજા જ વર્ષે તેમને 1998માં ફિલ્મ કલિયાટ્ટમ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેણે લાંબા સમય સુધી ટીવી શો પણ હોસ્ટ કર્યા છે.
સુરેશ ગોપી ઓક્ટોબર 2016માં ભાજપમાં જોડાયા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ગોપીને ત્રિશૂરથી હારનો સામનો કરવો પડ્યો હતો. 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.