Money Laundering Case: જેકલિન ફર્નાન્ડિઝને દુબઇ જવાની કોર્ટે આપી મંજૂરી, રાખી આ શરતો
નોંધનીય છે કે જેકલિન દુબઈમાં પેપ્સિકો ઈન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેવાની છે
Money Laundering Case: 200 કરોડના સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં આરોપી બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસને આજે દિલ્હી કોર્ટમાંથી મોટી રાહત મળી છે. હકીકતમાં અભિનેત્રીએ દુબઈ જવાની પરવાનગી માંગતી અરજી કરી હતી, જેને કોર્ટે મંજૂર કરી છે. જોકે કોર્ટે અભિનેત્રીને દુબઈ જવાની મંજૂરી સાથે કેટલીક શરતો પણ મુકી છે.
Rs 200 crore money laundering case | Delhi's Patiala House Court allows actor Jacqueline Fernandez to travel to Dubai to attend a conference
— ANI (@ANI) January 27, 2023
નોંધનીય છે કે જેકલિન દુબઈમાં પેપ્સિકો ઈન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેવાની છે. આ કાર્યક્રમ 29 ફેબ્રુઆરીએ યોજાનાર છે. આ માટે જેકલિને કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તેને દુબઈમાં યોજાનાર કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 29 જાન્યુઆરી, રવિવારના રોજ નિર્ધારિત કોન્સર્ટમાં તેમને સ્ટાર પરફોર્મર તરીકે બોલાવવામાં આવી છે. જેકલિનની અરજી પર આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી જે બાદ તેને શરત સાથે દુબઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી.
કોર્ટે કહ્યું હતું કે જેકલિન ફર્નાન્ડિસ તેના વિદેશ પ્રવાસ દરમિયાન ક્યાં રોકાશે તેની માહિતી આપવી પડશે. કોર્ટે કહ્યું હતું કે કોર્ટે 1 કરોડની ફિક્સ ડિપોઝીટ કરવાની શરત મૂકી છે. કેસની આગામી સુનાવણી 15 ફેબ્રુઆરીએ થશે.
સુનાવણી દરમિયાન જજે કહ્યું કે અમે જાણીએ છીએ કે જેકલિન પર ગંભીર આરોપો છે. કોર્ટમાં સુનાવણી નિર્ણાયક તબક્કે છે. જેકલિન ફર્નાન્ડિસને પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્કાર માટે પણ નોમિનેટ કરવામાં આવી છે. તેથી જ જેકલિનને શરતો સાથે દુબઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. જેકલિને 27 થી 30 જાન્યુઆરી સુધી દુબઈ જવાની પરવાનગી માંગી હતી. હવે આ મામલે આગામી સુનાવણી 15 ફેબ્રુઆરીએ થવાની છે.
જેકલીને મહાઠગ સુકેશ પર આ આરોપો લગાવ્યા છે
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ 18 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર થઈ હતી. આ દરમિયાન તેણે 200 કરોડની મની લોન્ડરિંગના આરોપી સુકેશ ચંદ્રશેખર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અભિનેત્રી જેકલીને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સુકેશે તેની લાગણીઓ સાથે રમત રમી તેનું જીવન નર્ક બનાવી દીધું અને તેની કારકિર્દી પણ બરબાદ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેક્લિને દાવો કર્યો હતો કે સુકેશે તેને સન ટીવીના માલિક તરીકે ઓળખાણ આપી હતી અને એ પણ કહ્યું હતું કે તે તમિલનાડુના સ્વર્ગસ્થ સીએમ જયલલિતાના સંબંધી છે.