Money Laundering Case: જૈકલીન ફર્નાન્ડિસની ડિઝાઈનરને દિલ્હી પોલીસે સમન્સ પાઠવ્યું, જાણો શું છે આરોપ?
દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) એ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડની છેતરપિંડીના કેસમાં ગુરુવારે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની ડિઝાઇનર લિપાક્ષીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું
Sukesh Chandrashekhar Case: દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) એ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડની છેતરપિંડીના કેસમાં ગુરુવારે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની ડિઝાઇનર લિપાક્ષીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આરોપ છે કે સુકેશે જેકલીનના ડ્રેસ માટે લિપાક્ષીને લાખો રૂપિયા આપ્યા હતા. સોમવારે પણ EOW એ લિપાક્ષીને પૂછપરછ માટે બોલાવી હતી, પરંતુ તે નાદુરસ્ત તબિયતને કારણે પહોંચી ન હતી.
અભિનેત્રી જેકલીનની બે વખત પૂછપરછ કરાઈ
સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં સોમવારે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની પણ સાત કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા 14 સપ્ટેમ્બરે એટલે કે બુધવારે જેકલીનને આઠ કલાક સુધી સવાલ-જવાબ પૂછવામાં આવ્યા હતા. જેકલીનની પૂછપરછમાં પિંકી ઈરાની પણ તેની સાથે હતી. પિંકી પર આરોપ છે કે તેણે જેકલીનનો સુકેશ સાથે પરિચય કરાવ્યો હતો.
નોરા ફતેહી સાથે સવાલ અને જવાબ
સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડના ફ્રોડ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીની પણ પૂછપરછ કરવામાં આવી છે. નોરાની પૂછપરછ કર્યા પછી, આર્થિક અપરાધ શાખાના સ્પેશિયલ સીપી રવિન્દ્ર યાદવે જણાવ્યું હતું કે જે વાહન તેમને આપવામાં આવ્યું હતું તે તેમના પિતરાઈ ભાઈના પતિ પાસેથી મળી આવ્યું હતું.
મામલો શું છે
સુકેશ ચંદ્રશેખર હાલ જેલમાં બંધ છે. તેના પર પ્રભાવશાળી લોકો સહિત અનેક લોકોને છેતરવાનો આરોપ છે. તેમાં ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહનો પણ સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 17 ઓગસ્ટે દાખલ કરેલી તેની ચાર્જશીટમાં સુકેશ ચંદ્રશેખરને સંડોવતા કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી તરીકે જેકલીન ફર્નાન્ડીઝનું નામ આપ્યું હતું. ED અનુસાર, ફર્નાન્ડિસ અને નોરા ફતેહીએ ચંદ્રશેખર પાસેથી મોંઘી કાર અને અન્ય ઘણી ભેટ લીધી હતી.
આર્થિક અપરાધ શાખાના પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ માત્ર છેતરપિંડી અને ખંડણીનો કેસ જ નોંધાયેલો નથી, પરંતુ તેમની વિરુદ્ધ મકોકા હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે અને તેમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. હવે આ કેસમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ એટલે કે પૂરક ચાર્જશીટ દાખલ કરવાની રહેશે. આ જ કારણ છે કે જેકલિન ફર્નાન્ડિઝને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. જેકલિનને ખૂબ જ મોંઘી ભેટ આપવામાં આવી હતી, જે સુકેશ ચંદ્રશેખરે ગુનાની કમાણીમાંથી મેળવી હતી.