Shilpa Shetty: છેતરપિંડીના કેસમાં શિલ્પા અને રાજની મુશ્કેલીઓ વધી, મુંબઈ પોલીસે જાહેર કરી લુક આઉટ નોટિસ
Shilpa Shetty:લુકઆઉટ સર્ક્યુલર એ એક સિસ્ટમ છે જેનો ઉપયોગ વ્યક્તિને દેશ છોડતા અટકાવવા અથવા તેની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે થાય છે

Shilpa Shetty: અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા સાથે સંબંધિત એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ પોલીસે હવે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ 60 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં લુકઆઉટ નોટિસ જાહે કરી છે.
ક્રાઈમ બ્રાન્ચે પરિપત્ર જાહેર કર્યો
આ કેસમાં વધુ માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો છે, કારણ કે આ દંપતી ઘણીવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરે છે. તેમણે જણાવ્યું કે અભિનેત્રી અને તેના પતિ વિરુદ્ધ 14 ઓગસ્ટના રોજ જુહૂ પોલીસ સ્ટેશનમાં એક ઉદ્યોગપતિ સાથે લોન અને રોકાણ સોદામાં લગભગ 60 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.
શા માટે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું
લુકઆઉટ સર્ક્યુલર એ એક સિસ્ટમ છે જેનો ઉપયોગ વ્યક્તિને દેશ છોડતા અટકાવવા અથવા તેની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે થાય છે, સામાન્ય રીતે ઇમિગ્રેશન અને સરહદ નિયંત્રણ પોસ્ટ્સને ચેતવણીઓ જાહેર કરવામાં આવ્યો છે.
લુકઆઉટ સર્ક્યુલર જાહેર થયા પછી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા દેશ છોડી શકશે નહીં. હાલમાં આ મામલે બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પોલીસ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં બંનેને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
60 કરોડની છેતરપિંડીનો કેસ શું છે
વાસ્તવમાં જુહૂ સ્થિત ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આરોપ લગાવ્યો છે કે શિલ્પા અને રાજે 2015 થી 2023 દરમિયાન તેમની સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. દીપકનો દાવો છે કે આ રકમ કંપનીના વિસ્તરણ માટે લેવામાં આવી હતી, પરંતુ તેનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ માટે કરવામાં આવ્યો હતો. કોઠારીનો આરોપ છે કે શિલ્પા અને રાજે શરૂઆતમાં 12 ટકા વાર્ષિક વ્યાજે 75 કરોડ રૂપિયાની લોન માંગી હતી પરંતુ બાદમાં કર બચાવવા માટે તેને રોકાણ તરીકે બતાવવાની સલાહ આપવામાં આવી હતી. કોઠારીએ એપ્રિલ 2015માં 31.95 કરોડ રૂપિયા અને સપ્ટેમ્બર 2015માં 28.53 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જે બેસ્ટ ડીલ ટીવીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા.
કંપની તરફથી લેખિત ગેરન્ટી અને રાજીનામું
દીપક કોઠારી કહે છે કે એપ્રિલ 2016માં શિલ્પા શેટ્ટીએ લેખિત વ્યક્તિગત ગેરન્ટી આપી હતી કે રકમ ચોક્કસ સમયમાં 12 ટકા વ્યાજ સાથે પરત કરવામાં આવશે. પરંતુ થોડા મહિના પછી સપ્ટેમ્બર 2016માં શિલ્પાએ કંપનીના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું. તેમને પાછળથી ખબર પડી કે 2017માં કંપની સામે 1.28 કરોડ રૂપિયાનો નાદારીનો કેસ પણ ચાલી રહ્યો છે, જેના વિશે તેમને અગાઉ જાણ કરવામાં આવી ન હતી.
EOW તપાસ
કેસ 10 કરોડ રૂપિયાથી વધુનો હોવાથી તેને જુહુ પોલીસ સ્ટેશનમાંથી EOWને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પોલીસે શિલ્પા, રાજ અને એક અજાણી વ્યક્તિ સામે IPC ની કલમ 403 (મિલકતનો અપ્રમાણિક દુરુપયોગ), 406 (વિશ્વાસનો ગુનાહિત ભંગ) અને 34 (સામાન્ય હેતુ) હેઠળ કેસ નોંધ્યો છે.





















