કપિલ શર્મા શોમાં કામ કરી ચૂકેલા આ એક્ટરે કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો શું છે કારણ ?
આસપાસનાં લોકોને આ વાતની જાણ થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો
મુંબઈઃ કોરોનાના કેસો વધતાં કામની તંગીના કારણે કપિલ શર્મા શોમાં કામ કરી ચૂકેલા તીર્થાનંદ રાવે ઝેર ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આસપાસનાં લોકોને આ વાતની જાણ થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. તીર્થાનંદ ચાર દિવસ હોસ્પિટલમાં રહ્યો હતો. હવે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તીર્થાનંદે 27 ડીસેમ્બરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 15 વર્ષથી સક્રિય એક્ટર તીર્થાનંદ રાવ જાણીતા અભિનેતા નાના પાટેકરની સ્ટાઈલ તથા અવાજની આબેહૂબ નકલ કરી શકે છે. તીર્થાનંદે એક વેબ પોર્ટલને આપેલી મુલાકાતમાં પોતે આપઘાતનો પ્રયત્ન કર્યો હોવાની સ્વીકારતાં કહ્યું હતું કે, મેં ઝેર ખાધું હતું અને હું ગંભીર હતો એ વાત સાચી છે. આર્થિક તંગી તથા પરિવારે સાથ છોડતાં હું કંટાળી ગયો છું. હું હોસ્પિટલમાં રહ્યો પરંતુ મારા માતા અને ભાઈ મને જોવા સુધ્ધાં ના આવ્યા. અમે એક જ કોમ્પ્લેક્સમાં રહીએ છીએ પણ છેલ્લાં 15 વર્ષથી પરિવાર મારી સાથે વાત કરતો નથી.
તીર્થાનંદે આક્ષેપ કર્યો કે, તેની સારવાર પાછળ પણ પરિવારે એક રૂપિયો ખર્ચ કર્યો નથી. મારી પર દેવું છે અને હું એકલો જ છું પણ કોઈ તેનો ભાવ પૂછતું નથી.તીર્થાનંદની પત્ની ડાન્સર હતી અને બંનેને એક દીકરી હતી. અણબનાવ થતાં પત્ની તેને છોડીને જતી રહી અને તેણે બીજા લગ્ન કર્યા છે. દીકરીના પણ લગ્ન થઈ ચૂક્યા છે. હવે તેમની સાથે કોઈ સંપર્ક રહ્યો નથી.
તીર્થાનંદે 'કોમેડી સર્કસ'ના 'અજુબા'માં કામ કર્યું છે. તેણે શ્વેતા તિવારી, કપિલ શર્મા સાથે કામ કર્યું હતું. 2016માં કપિલના શોના કેટલાંક એપિસોડમાં કામ કર્યું હતું. તે સમયે કપિલ તથા સુનીલ ગ્રોવર વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે કપિલે એક કેરેક્ટર માટે કૉલ કર્યો હતો. તીર્થાનંદ તે સમયે ગુજરાતી ફિલ્મ કરતો હતો તેથી કપિલના શોમાં કામ કરી શક્યો નહીં. હવે તબિયત ઠીક થઈ જશે ત્યારે કપિલ પાસે કામ માગવા જશે.
આ પણ વાંચો.....
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ
Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન