મેરઠઃ દૌરલા પોલીસ સ્ટેશનમાં બીજેપી એમએલસી ડો. સરોજની અગ્રવાલના પતિ અને તેમની દીકરી સહિત 8 લોકો પર સમાજવાદી આવાસ યોજના અંતર્ગત ફ્લેટ અપાવવાના નામ પર છેતરપિંડી કરવાનો અને લાખો રૂપિયા ચાંઉ કરી જવાનો મામલો નોંધાયો છે. આ લોકોએ સમાજવાદી આવાસ યોજના શરૂ કરી હતી. જે બાદ લોકો પાસેથી ટોકન રકમ ઉઘરાવી હાથ અદ્ધર કરી લીધા હતા. પોલીસે ફરિયાદ ન લેતા રોકાણકારો કોર્ટમાં ગયા હતા અને આરોપીઓ સામે કેસ દાખલ કરાવ્યો હતો. ભોગ બનનારામાં બોલીવુડના જાણીતા એક્ટર નસીરુદ્દીન શાહની બહેનનો પણ સમાવેશ થાય છે.
2/3
પોલીસના જણાવ્યા મુજબ ચાર વર્ષ પહેલા તત્કાલીન સપા સરકારમાં દૌરલા-લાવડ માર્ગ સ્થિત કલર સિટી કંપનીએ સમાજવાદી આવાસ યોજના અંતર્ગત ફ્લેટ બનાવવાનું શરૂ કર્યું હતું. જેનો શુભારંભ સપા સાંસદ તેજ પ્રતાપ સિંહે કર્યો હતો. રાજ્યમાં નવી સરકાર આવે તે પહેલા જ આ પ્રોજેક્ટ બંધ થઈ ગયો હતો. આ યોજનામાં ઠગાઈનો ભોગ બનેલા પીડિતોની સંખ્યા 450 જેટલી છે.
3/3
બોલીવુડ એક્ટર નસીરુદ્દીન શાહની બે બહેનો પણ ઠગાઈ અને છેતરપિંડીનો શિકાર બની છે. નસીરુદ્દીન શાહની 65 વર્ષીય પિતરાઈ બહેન અમીના શાહ મેરઠના પલ્લવપુરમાં રહે છે. જ્યારે મોટી બહેન ઈશરત સુલ્તાના (ઉ.70 વર્ષ) નિવૃત્ત શિક્ષિકા છે. બંને બહેનોએ 3 વર્ષ પહેલા એક સસ્તા ઘરની શોધમાં આ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું. અમીના શાહે 3.03 લાખ રૂપિયા અને ઈશરત સુલ્તાનાએ પોણા બે લાખ રૂપિયા તથા તેની ભત્રીજી મેહરુ જિયાએ 5.12 લાખ રૂપિયા સસ્તા અને સરકારી મકાન મેળવવાની લાલચમાં પ્રતીક બિલ્ડકોમમાં રોક્યા હતા.