નવી દિલ્હીઃ ઈન્ટરપોલ દ્વારા 13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની બહેન પૂર્વી દીપક મોદી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. અધિકારીઓ દ્વારા સોમવારે આ માહિતી આપવામાં આવી હતી. ઈડીના જણાવ્યા મુજબ ઈન્ટરપોલે અમારા આગ્રહ પર પૂર્વી મોદી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે.
2/3
મુંબઈની સ્પેશિયલ કોર્ટે નીરવ મોદી અને તેની બહેન પૂર્વી તથા ભાઈ નિશલને અદાલત સમક્ષ 25 સપ્ટેમ્બર સુધી હાજર થવાનું સમન્સ પાઠવ્યું હતું. આ બંને બેલ્જિયમના નાગરિક છે. કોર્ટે કહ્યું હતું કે જો બંને કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો નવા કાયદા મુજબ તેમની સંપત્તિ જપ્ત થઈ શકે છે.
3/3
ઈન્ટરપોલે ગત સપ્તાહે નીરવ મોદીના નજીક ગણાતા મિહિર ભંસાલી સામે પણ આ મામલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. નીરવ મોદીની ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ કંપનીના અધિકારી ભંસાલી પીએનબી કૌભાંડની તપાસ શરૂ થયા બાદથી ફરાર છે. ઈડી મોદી ઉપરાંત તેના મામા તથા ગીતાંજલિ ગ્રુપના મેહુલ ચોકસી દ્વારા આચરવામાં આવેલા કૌભાંડની જાણકારી મેળવવા ભંસાલી તથા પૂર્વીની પૂછપરછ કરવા માંગે છે.