બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર
ગયા મહિને પણ ઇટાલીમાં આ બીમારીને કારણે ઓછામાં ઓછા 8 લોકો બીમાર પડ્યા હતા
ઇટાલીમાં બોટુલિઝમ નામની એક વિચિત્ર બીમારીનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. આના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 9 લોકો ગંભીર રીતે બીમાર છે. આ બીમારી બ્રોકલીની શાકભાજી ખાવાથી થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રોકલીને તેલમાં રાખવામાં આવી હતી, જેનો ઉપયોગ સેન્ડવીચમાં થયો હતો.
કેલાબ્રિયા નામની એક જગ્યાએ એક વ્યક્તિએ બ્રોકલી અને સોસેજવાળી સેન્ડવીચ ખરીદી હતી. તે ખાધા પછી તરત જ તે ગંભીર રીતે બીમાર થઈ ગયો. ઘરે પરત ફરતી વખતે ડ્રાઇવિંગ કરતી વખતે તેની તબિયત બગડી ગઈ અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મૃત્યુ થયું. બ્રોકલી સેન્ડવીચ ખાનારા બાકીના લોકો પણ બીમાર છે અને ICUમાં છે. વાસ્તવમાં દક્ષિણ ઇટાલીમાં બ્રોકલી ચીઝ સેન્ડવિચ ખાધા બાદ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને નવ અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 52 વર્ષીય સંગીતકાર લુઇગી ડી સાર્નો ગુરુવારે કેલાબ્રિયામાં પોતાના પરિવાર સાથે રજાઓ ગાળીને ઘરે પરત ફરતા હતા ત્યારે ગંભીર રીતે બીમાર પડ્યા હતા.
ગયા મહિને પણ ઇટાલીમાં આ બીમારીને કારણે ઓછામાં ઓછા 8 લોકો બીમાર પડ્યા હતા. આ બીમારી અંગે તપાસ ચાલી રહી છે અને લોકોને બ્રોકલી અને તેમાંથી બનેલી કોઈપણ વસ્તુ ન ખાવાની અપીલ કરવામાં આવી છે.
બોટુલિઝમ એક ખૂબ જ દુર્લભ પરંતુ ખતરનાક બીમારી છે, જે ક્લોસ્ટ્રીડિયમ બોટુલિનમ નામના બેક્ટેરિયા દ્વારા બનાવેલા ઝેરને કારણે થાય છે. આ ઝેર ચેતાઓ વચ્ચે સંકેતો મોકલવાની પ્રક્રિયાને અટકાવે છે, જેના કારણે સ્નાયુઓ છૂટા પડી જાય છે અને લકવો થઈ શકે છે. જો તેની ઓળખ અને સારવાર તાત્કાલિક ન કરવામાં આવે તો દર્દી શ્વાસ લેવાનું બંધ કરી શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.
આ રોગ ઇટાલીમાં કેમ ફેલાયો?
ઘણા યુરોપિયન દેશો કરતાં ઇટાલીમાં બોટુલિઝમના કેસો વધુ છે, કારણ કે ત્યાં ઘરે ખોરાક સંગ્રહિત કરવો અને પરંપરાગત રીતે ખોરાક રાંધવાનું સામાન્ય છે. આ રોગ ખાસ કરીને ઓછા એસિડિક ખોરાકને યોગ્ય રીતે સ્ટોર ન કરવાને કારણે ફેલાય છે જ્યારે તેને તેલમાં અથવા ઓક્સિજન-મુક્ત વાતાવરણમાં સંગ્રહિત કરવામાં આવે છે.



















