બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5નાં મોત, ઠાકોર પરિવાર માતાજીના દર્શને જતો હતો ને મોત ભેટી ગયું.....
ધોળકાથી બગોદરા હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં કરૂણ મોત નિપજ્યાં છે.
ધોળકાઃ ધોળકાથી બગોદરા હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં કરૂણ મોત નિપજ્યાં છે. આ ગમખ્વાર ઘટનામાં ઈકો કારનો અકસ્માત થતાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. પ્રાથમિક માહિતી પ્રમાણે, ઈકો ગાડીમાં સવાર ઠાકોર પરિવારના સભ્યો માતાજીના દર્શને જતા હતા. ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા ત્યારે અકસ્માત થયો હતો.
આ માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થઈ છે. આ ઘટના બનતાં જ 108 એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરાઈ હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખેડા જિલ્લાના વારસંગના રહેવાસી ઠાકોર પરિવારના સભ્ય બરવાળા ખાતે માતાજીનાં દર્શને જતા હતા. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં. આ પૈકી ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
ઘટનાની જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અન્ય ઈજાગ્રસ્તોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસે અકસ્માત સર્જીને ફરાર વાહનની શોધ શરૂ કરી છે.
આ હાઈવે પર સતત અકસ્માતો થયા કરે છે. તાજેતરમાં બગોદરા હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત થયાં હતાં. 10 દિવસ પહેલાં જ બગોદરા-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એકાએક ટ્રક પાછળ તૂફાન ગાડી ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તૂફાન કારમાં સવાર લોકો રાજકોટની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા. તેઓ રાજકોટથી વાપી કિકેટ રમવા માટે સ્પર્ધામાં ગયા હતા.