આ તારીખે ગુજરાત આવશે અરવિંદ કેજરીવાલ,ચૈતર વસાવા અને ખેડૂતોના મુદ્દાને લઈ કરશે મોટી જનસભા
ગાંધીનગર: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 23 જુલાઈના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે.

ગાંધીનગર: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 23 જુલાઈના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ જોડાશે. આ બંને નેતાઓ રાજ્યમાં બે મોટી જનસભાને સંબોધીને ખેડૂતો, પશુપાલકો અને આદિવાસી નેતાઓના મુદ્દા ઉઠાવશે. ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ અંગે માહિતી આપી હતી.
ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, 23 જુલાઈના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન મોડાસા ખાતે 'ખેડૂત પશુપાલક મહાપંચાયત'માં હાજરી આપશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતો અને પશુપાલકોને સમર્થન આપવાનો છે, અને ત્યાં તેઓ આ સમાજના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવશે.
ત્યારબાદ, 24 જુલાઈના રોજ બંને મુખ્યમંત્રીઓ ડેડીયાપાડા ખાતે એક વિશાળ જનસભા સંબોધશે. આ સભાનો હેતુ તાજેતરમાં ધરપકડ કરવામાં આવેલા આદિવાસી નેતા ચૈતર વસાવાને સમર્થન આપવાનો છે. ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, કેજરીવાલ અને માન ચૈતર વસાવા પર કરવામાં આવેલા ખોટા કેસો વિરુદ્ધ મોરચો માંડશે અને તેમની તરફેણમાં વિશાળ જનસભાને સંબોધશે.
આ બે દિવસીય પ્રવાસ દરમિયાન 'આપ' ખેડૂતો, પશુપાલકો અને આદિવાસી સમુદાયને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરશે. કેજરીવાલ અને ભગવંત માનનો આ પ્રવાસ ગુજરાતના રાજકીય વાતાવરણમાં ફરી ગરમાવો લાવે તેવી શક્યતા છે.
તો બીજી તરફ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)એ સંગઠનને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પાર્ટી દ્વારા ડો. કરન બારોટની ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાર્ટીના આ નિર્ણયને આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. ડો. બારોટની નિમણૂકથી પાર્ટી સંગઠનમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી રહી છે.
AAP દ્વારા નિયુક્તિનો આ દોર શરૂ થતાં ગુજરાતમાં યુવાઓને રાજકારણમાં વધુ સક્રિય થવાની તક મળી રહી છે. આ પગલાથી પાર્ટી પોતાની નીતિઓ અને કાર્યક્રમોને લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડી શકશે તેવી અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ વિસાવદર વિધાનસભા બેઠક પરથી ગોપાલ ઈટાલીયાની જીત થઈ છે. જે બાદ પાર્ટી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.





















