સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત, રોજિંદી આવક કરતા 16 લાખ લીટર દૂધની આવક ઘટી
સાબરકાંઠામાં ભાવફેરને પશુપાલકોના આંદોલનનો આજે પાંચમો દિવસ છે

સાબરકાંઠામાં ભાવફેરને પશુપાલકોના આંદોલનનો આજે પાંચમો દિવસ છે. દૂધની આવક ઓછી થતા સાબર ડેરી પર અનેક પ્રકારનું જોખમ છવાયું હતું. ગુરુવારે સાબર ડેરીમાં માત્ર 10 લાખ લીટર દૂધની આવક થઈ હતી. જે રોજિંદી આવક કરતા 16 લાખ લીટર દૂધની આવક ઘટી હતી.
સાબર ડેરીના દૂધના ભાવફેરના અન્યાય સામે સતત પાંચમા દિવસે પણ પશુપાલકોનું આંદોલન યથાવત રહ્યું હતું. ગુરુવારે ડેરીમાં માત્ર 10 લાખ લિટર દૂધની આવક થઈ હતી. એટલે કે નિયમિત આવક કરતા 16 લાખ લિટર દૂધની આવકમાં ઘટાડો થયો હતો. પશુપાલકોએ છેલ્લા ત્રણ દિવસમાં સાબર ડેરીમાં જતા 17 ટેન્કર રોકીને દૂધ રસ્તા ઢોળીને રોષ વ્યક્ત કર્યો છે.
તો આ તરફ કેટલાક પશુપાલકોએ તો જરુરિયાતમંદ લોકોને કે શાળામાં દૂધનું વિતરણ મફત કરીને અનોખો વિરોધ કર્યો હતો. ભાવફેરમાં અન્યાય સામે પશુપાલકોનો રોષ બાયડથી પોશીના સુધીના પટ્ટામાં જોવા મળી રહ્યો છે. અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી પશુપાલકોએ સાબર ડેરીમાં દૂધ ન ભરવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે જિલ્લાના શીતકેન્દ્રો પર ટેન્કરોની અવરજવરમાં મોટો ઘટાડો થયો. અને સાબર ડેરી પર અનેક પ્રકારના સંકટ ઉભા થયા છે.
ભાવફેરની માંગ સાથે અરવલ્લીમાં પણ પશુપાલકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સતત ચોથા દિવસે અરવલ્લીમાં દૂધ મંડળીઓ બંધ રહી હતી. મોડાસાના સાકરીયા ગામે 250 સભાસદો દૂધ ભરાવી રહ્યા નથી. અરવલ્લીમાં 4 દિવસમાં 60 લાખ લીટરથી વધુ દૂધ પશુપાલકોએ ભરાવ્યું નથી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં પશુપાલકોએ 60 લાખ લીટર દૂધ ન ભરતા ડેરીમાં દૂધની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે.
અરવલ્લીમાં પશુપાલકોએ દૂધનો વેડફાટ ન કરી સેવાકાર્યો માટે દૂધ આપ્યું હતું. મેઢાસણ ગામના યુવકોએ 300 લીટર દૂધ સેવાકાર્યો માટે આપ્યું હતું. ટિફિન આપતી સેવાકીય સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટમાં દૂધ આપ્યું હતું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 1800 જેટલી મંડળીઓ સાબરડેરી સાથે સંકળાયેલ છે. સાબરડેરીમાં દૈનિક 26 લાખ લીટર સરેરાશ દૂધની આવક થતી હતી. બે દિવસથી અનેક મંડળી બંધ હોવાને લઇ દૂધની આવકમાં ઘટાડો નોંધાયો હતો. અનેક દૂધ મંડળીઓ અચોક્કસ મુદત માટે બંધ છે.





















