(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં ડમ્પરે એક્ટીવાને લીધું અડફેટે, માતા પુત્રીનું મોત
40 વર્ષીય મહિલા મલ્લિકા કિરણભાઈ ગોસ્વામી અને 7 વર્ષીય જાન્વીગોસ્વામીનું પણ મોત થયું છે.
Accident in Ahmedabad: અમદાવાદમાં આજે વધુ એક અકસ્માત થયો છે. જેમાં આરએમસી મિક્સરે અડફેટે એક્ટીવા પર સવાર માતા પુત્રીનું મોત થયું છે. હેબતપુર સમત્વ ચાર રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે 40 વર્ષીય મહિલા મલ્લિકા કિરણભાઈ ગોસ્વામી અને 7 વર્ષીય જાન્વીગોસ્વામીનું પણ મોત થયું છે. માતા પુત્રી ભાડજ ખાતે ક્રિષ્ના રો હાઉસમાં રહે છે. બપોરે 1 કલાકે અકસ્માત થયો હતો.
અમદાવાદમાં વાસણામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિપર મશીને ફુટપાથ પર રહેતા પરિવારને કચડ્યો છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે.
જી. બી શાહ કોલેજ બાજુમાં ફૂટપાથ પર રહેતા પરિવારને સ્વિપર મશીને ટક્કર મારી હતી. આ ઘટનામાં પોલીસે સ્વિપર મશીન ચાલકની અટકાયત કરી છે. વેક્યુમ સ્વિપર મશીન ચાલકનું નામ પપ્પુ પારઘી છે. હાલમાં ચાલકને એમ ડિવિઝન ટ્રાફિસ પોલીસ લાવવામાં આવ્યો છે.
સુરતમાં અકસ્માત
સુરતમાં એસટી બસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. એસટી બસે મોપેડ ચાલકને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં એસટી બસ ચાલકે મોપેડ ચાલકને કચડ્યો હતો. એસટી બસ સાપુતારા-બાલાસિનોર રૂટની હતી. અકસ્માત સર્જી એસટી બસનો ચાલક ફરાર થયો હતો. મૃતકના ખિસ્સામાંથી ચિરાગ જૈન નામનું ઓળખ કાર્ડ મળી આવ્યું હતું. બસનું પાછળનું ટાયર મોપેડ ચાલક પર ફરી વળ્યું હતું.
સુરતમાં અન્ય એક ઘટનામાં પોલીસની PCR વાનના ડ્રાઈવરે ખાનગી ગાડીમાં પોલીસની પ્લેટ સાથે ધમાલ મચાવી હતી. ખટોદરા PCR વાનનો ડ્રાઈવર દારૂના નશામાં ઝડપાયો હતો. ઉધના-સચિન રોડ પર આ શખ્સે ધમાલ કરી હતી. BRTS-ખાનગી વાહન વચ્ચે ટક્કર બાદ ધમાલ મચાવી હતી. પોલીસ વડાના પરિપત્રનો ભંગ જોવા મળ્યો હતો. અનેક લોકો પોલીસ લખેલી પ્લેટ સાથે ગાડીઓ ફેરવે છે. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.
નવસારીમાં અકસ્માત
નવસારીના ચીખલીમાં હોટલમાં કાર ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આલીપોર નજીક આવેલી આલ્ફા હોટલમાં સુરતના પાર્સિંગવાળી કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
સીસીટીવીમાં જોઈ શકાય છે કે સાડા આઠ વાગ્યાની આસપાસનો સમય છે. ત્યારે જ બેકાબૂ કાર હોટલમાં ઘૂસી જાય છે. પહેલા તો કાઉન્ટરની સાથે ટક્કર થાય છે. બાદમાં હોટલમાં બેસેલ લોકોને પણ ટક્કર મારી છે. જેના કારણે ત્રણ લોકોને ઈજા થાય છે. જેમાં એકની હાલત ગંભીર હોવાથી નવસારીની ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયો છે.
માહિતી પ્રમાણે કારને હોટલના પાર્કિગમાં પાર્ક કર્યા બાદ ડ્રાયવરથી ભૂલમાં એક્સિલેટર પર પગ મુકાય જતા ઘટના બની હતી. હાલ તો ચીખલી પોલીસે તપાસ હાથ ધરી છે.