બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
RTI expose ministers salary pension: માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ 2 ડિસેમ્બર, 2025 ના રોજ મળેલા એક જવાબે વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે.

RTI expose ministers salary pension: લોકશાહીમાં પ્રજાના સેવક ગણાતા નેતાઓ જ નિયમો નેવે મૂકી રહ્યા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં થયેલા એક RTI રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બિહાર અને કેન્દ્ર સરકારના દિગ્ગજ મંત્રીઓ સહિત કુલ 8 નેતાઓ ગેરકાયદેસર રીતે પગાર અને પેન્શન બંનેનો લાભ એકસાથે લઈ રહ્યા છે. આ માહિતી સામે આવતા જ રાજકીય ગલિયારામાં ગરમાવો આવી ગયો છે. કાયદાકીય નિષ્ણાતોએ આ કૃત્યને ગંભીર આર્થિક અપરાધ ગણાવ્યો છે, જ્યારે વિપક્ષે સરકારની પારદર્શિતા સામે સવાલો ઉઠાવ્યા છે.
RTIના જવાબે ઉભી કરી રાજકીય હલચલ
માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ 2 ડિસેમ્બર, 2025 ના રોજ મળેલા એક જવાબે વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. ખુલાસા મુજબ, બિહારના નાણામંત્રી અને મોદી સરકારના કેન્દ્રીય મંત્રી સહિતના 8 જેટલા પ્રભાવશાળી નેતાઓ તેમના વર્તમાન પદનો પગાર લેવાની સાથે સાથે પેન્શનની રકમ પણ મેળવી રહ્યા છે. નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ કોઈ પણ ગૃહનો સભ્ય હોય અને પગાર લેતો હોય, તો તે પેન્શનનો હકદાર નથી હોતો, છતાં આ નેતાઓ વર્ષોથી આ લાભ લઈ રહ્યા છે.
કોણ કોણ છે આ યાદીમાં?
RTI કાર્યકર્તા શિવ પ્રકાશ રાય દ્વારા મેળવવામાં આવેલી વિગતો મુજબ, નીચે મુજબના નેતાઓ આ યાદીમાં સામેલ છે:
સતીશ ચંદ્ર દુબે (કેન્દ્રીય મંત્રી): તેઓ 26 મે, 2019 થી પેન્શન મેળવી રહ્યા છે, જેની રકમ અંદાજે ₹59,000 છે.
બિજેન્દ્ર પ્રસાદ યાદવ (બિહારના નાણામંત્રી): 24 મે, 2005 થી તેઓ ₹10,000 નું પેન્શન મેળવે છે.
દેવેશ ચંદ્ર ઠાકુર (સાંસદ): 7 મે, 2020 થી ₹86,000 નું પેન્શન મેળવી રહ્યા છે.
સંજય સિંહ (MLC): 7 મે, 2018 થી ₹68,000 નું પેન્શન ચાલુ છે.
લાલન સરાફ: 24 મે, 2020 થી ₹50,000 નું પેન્શન મેળવે છે.
ઉપેન્દ્ર કુશવાહા (રાજ્યસભા સાંસદ): 7 માર્ચ, 2005 થી ₹47,000 નું પેન્શન લઈ રહ્યા છે.
નીતિશ મિશ્રા: 22 સપ્ટેમ્બર, 2015 થી ₹43,000 નું પેન્શન શરૂ થયેલું છે.
ભોલા યાદવ: તેમને ₹65,000 પેન્શન મળે છે, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હોવાથી નિયમ મુજબ તેઓ પેન્શન માટે પાત્ર ગણાય છે.
કાયદો શું કહે છે? નિયમોનું સરેઆમ ઉલ્લંઘન
સરકારી નિયમો સ્પષ્ટ છે કે જે તે નેતાએ દર વર્ષે 'લાઇફ સર્ટિફિકેટ' સાથે લેખિતમાં બાંહેધરી આપવી પડે છે કે તેઓ કેન્દ્ર કે રાજ્ય સરકારના કોઈ લાભદાયી પદ પર નથી અને પગાર મેળવતા નથી. તો પછી પ્રશ્ન એ થાય છે કે આ નેતાઓએ કઈ રીતે ડિક્લેરેશન આપ્યું? અને જો ખોટું ડિક્લેરેશન આપ્યું છે, તો તંત્ર દ્વારા તેની ચકાસણી કેમ કરવામાં ન આવી? એક તરફ સામાન્ય માણસને પેન્શન માટે ધક્કા ખાવા પડે છે, ત્યારે મંત્રીઓના ખાતામાં બેવડો લાભ જમા થવો એ ગંભીર વહીવટી ક્ષતિ સૂચવે છે.
કાનૂની નિષ્ણાતો અને નેતાઓનો બચાવ
પટણા હાઈકોર્ટના સિનિયર એડવોકેટ સર્વદેવ સિંહે આ બાબતને અત્યંત ગંભીર ગણાવતા તેને "આર્થિક ગુના" ની શ્રેણીમાં મૂક્યું છે. તેમના મતે, પદ પર રહીને પેન્શન લેવું એ કાયદાની વિરુદ્ધ છે. બીજી તરફ, જ્યારે આ બાબતે નેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. દેવેશ ચંદ્ર ઠાકુર અને નીતિશ મિશ્રાએ બચાવ કરતા કહ્યું હતું કે તેમણે ક્યારેય પેન્શનની માંગણી કરી નથી અને જો ભૂલથી જમા થયું હશે તો પરત કરશે. નીતિશ મિશ્રાએ દાવો કર્યો કે તેમને 2015 માં માત્ર એક મહિનાનું પેન્શન મળ્યું હતું જ્યારે તેઓ સભ્ય નહોતા. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ મામલે શું એક્શન લે છે.





















