Ahmedabad: કોરોના થયો તો ખાનગી હોસ્પિટલમાં મસમોટા ભાડા ચૂકવવા રહેજો તૈયાર
અમદાવાદ શહેરમાં એક તબક્કે કોરોના કેસો વધતાં ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કરીને 66 જેટલી હોસ્પિટલોમાં 50 ટકા બેડ એએમસી ક્વોટામાં રાખ્યા હતા.
અમદાવાદમાં હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની ફ્રી સારવારના બેડ બંધ. હવે મસમોટી રકમ ચૂકવવી પડશે. હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર નહીં થાય. જો કોરોનાની મફત સારવાર જોઈતી હોય તો ફરજિયાત સરકારી હોસ્પિટલમાં જ દાખલ થવું પડશે. કારણ કે 50 ટકા બેડ માટે મનપાએ ખાનગી હૉસ્પિટલ સાથે કરેલ કરાર રદ કર્યા છે.
અમદાવાદ શહેરમાં એક તબક્કે કોરોના કેસો વધતાં ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કરીને 66 જેટલી હોસ્પિટલોમાં 50 ટકા બેડ એએમસી ક્વોટામાં રાખ્યા હતા. જ્યારે બાકીના 50 ટકા બેડ પર હોસ્પિટલ સત્તાવાળા પોતાની રીતે દર્દીઓને દાખલ કરતી હતી. પરંતુ મહાનગરપાલિકાએ આ હૉસ્પિટલો સાથે કરાર રદ કર્યા છે.
રાજ્યમાં કોરોનાના પગપેસારાના આજે એક વર્ષ પૂર્ણ થયું છે. 19 માર્ચે ગુજરાતમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે ત્યારે પ્રેસ કોંફ્રેસ કરીને સુરત અને રાજકોટમાં કોરોનાના દર્દી નોંધાયા હોવાની માહિતી આપી હતી. બાદમાં મે મહિનાથી રાજ્યમાં કોરોનાના કેસની ગતિ વધી હતી.
ત્યારથી લઈને અત્યાર સુધી સૌથી ઓછા કેસ ફેબ્રુઆરી મહિનામાં 8349 નોંધાયા હતા. જ્યારે સૌથી વધુ કેસ વર્ષ 2020 સપ્ટેમ્બર માસમાં 40 હજાર 959 કેસ નોંધાયા હતા. કોરોનાની સારવાર દરમિયાન વર્ષ 2020 મે મહિનામાં જ સૌથી વધુ 824 દર્દીઓના જ્યારે જુન મહિનામાં 810 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. ત્યાર બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો રહ્યો.
જુન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં કોરોનાના કેસમા સતત વધારો થતો રહ્યો છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કોરોનાનું રાજ્યમાં સંક્રમણ થોડુ શાંત પડ્યુ. કોરોનાના કેસમાં પણ સતત ઘટાડો થવા લાગ્યો હતો. દરરોજના 200 જેટલા કેસ નોંધાવા લાગ્યા હતા. પરંતુ ત્યારે જ મહાનગર પાલિકાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓએ કરેલ રેલી, તમાશાએ ફરીથી
કોરોનાના આમંત્રણ આપ્યુ.
અમદાવાદમાં ક્રિકેટ મેચે એ જ કોરોનાને વધુ વકરવા માટેની એક તક આપી અને માર્ચ મહિનામાં ફરીથી કોરોનાના સંક્રમણમાં સતત વધારો થવા લાગ્યો. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના કેસમાં 1122 જેટલા નોંધાયા હતા અને ફક્ત માર્ચ મહિનાના 17 દિવસમાં જ કોરોનાના નવા 11 હજાર 284 પોઝિટીવ કેસ નોંધાયા છે.