(Source: ECI | ABP NEWS)
Ahmedabad Crime: ચાંગોદરના ચકચારી દેરાણી-જેઠાણી હત્યા કેસનો ભેદ ઉકેલાયો, મધ્ય પ્રદેશથી 'સેક્સ મેનિયાક' આરોપી ઝડપાયો
Crime News: કચરો વીણતી મહિલાઓ પાસે કરી હતી અઘટિત માગણી, ઇનકાર કરતાં માત્ર ૧૫ મિનિટમાં પથ્થરથી માથું છૂંદી નાખ્યું, હત્યા બાદ ટ્રેનમાં બેસી વતન ભાગી ગયો હતો.

Changodar Murder Case: અમદાવાદ જિલ્લાના ચાંગોદર ઔદ્યોગિક વિસ્તારમાં ૧૪ એપ્રિલના રોજ બનેલા દેરાણી-જેઠાણીના ડબલ મર્ડર કેસનો ભેદ આખરે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી શખ્સને તેના વતન મધ્ય પ્રદેશથી દબોચી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપીએ માત્ર ૧૫ મિનિટના ગાળામાં જ બંને મહિલાઓની પથ્થરના ઘા મારીને હત્યા કરી નાખી હતી.
મૃતક દેરાણી-જેઠાણી ચાંગોદરના ઔદ્યોગિક વિસ્તારમાં કચરો વીણવાનું કામ કરતી હતી. ૧૪ એપ્રિલની સવારે ઔદ્યોગિક વિસ્તારનો કચરો જ્યાં ઠાલવવામાં આવે છે તે જગ્યા નજીકથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પથ્થરોના ઘા મારીને કરાયેલી આ હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે મોટો પડકાર હતો.
પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ચાર ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આસપાસના લગભગ ૧૫૦ જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, પરંતુ શરૂઆતમાં કોઈ ખાસ કડી મળી ન હતી. ત્યારબાદ પોલીસે આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરોની પૂછપરછ શરૂ કરી હતી.
આ પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે બનાવ બન્યા બાદ એક ફેક્ટરીમાંથી એક મજૂર અચાનક ગાયબ થઈ ગયો હતો. પોલીસ ટેકનિકલ એનાલિસિસ પણ કરી રહી હતી. ગાયબ થયેલા વ્યક્તિનું લોકેશન મધ્ય પ્રદેશથી મળતા પોલીસની એક ટીમ તાત્કાલિક મધ્ય પ્રદેશ જવા રવાના થઈ હતી. ત્યાંથી પોલીસે ભોલે લાલમન નામના શખસને ઝડપી લીધો અને તેની પૂછપરછ કરતા તેણે જ આ બંને મહિલાઓની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો.
અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, આરોપી ભોલે લાલમને એક મહિલા પાસે શારીરિક સંબંધ બાંધવાની અઘટિત માગણી કરી હતી. જ્યારે મહિલાએ ના પાડી તો ગુસ્સામાં આવીને તેણે પથ્થરથી તેનું માથું છુંદી નાખીને હત્યા કરી દીધી. ત્યારબાદ પકડાઈ જવાના ડરથી તેણે બીજી મહિલા સાથે પણ આ પ્રકારે માગણી કરી, પરંતુ તેણે પણ ના પાડતા, પકડાઈ જવાના ભયે તેણે તેની પણ પથ્થર મારીને હત્યા કરી નાખી હતી. બંને મહિલાઓની હત્યા માત્ર ૧૫ મિનિટના ગાળામાં સવારે લગભગ ૧૧ વાગ્યાની આસપાસ નિપજાવી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ બંનેના મૃતદેહને ઝાડીમાં છુપાવી દીધા હતા અને તાત્કાલિક ટ્રેનમાં બેસીને પોતાના વતન મધ્ય પ્રદેશ ફરાર થઈ ગયો હતો.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી ભોલે લાલમન છેલ્લા ત્રણ મહિનાથી જ ચાંગોદરમાં આવેલી એક કંપનીમાં હેલ્પર તરીકે મજૂરી કામ કરતો હતો. તેના પરિવારમાં પત્ની અને ચાર દીકરા હોવાનું પણ જાણવા મળ્યું છે.
આમ, અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં જ દેરાણી-જેઠાણીના આ ચકચારી હત્યા કેસનો ભેદ ઉકેલીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.





















