ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
fake delivery boy chain snatcher: ભરૂચ સી ડિવિઝન પોલીસના હાથે ઝડપાયેલા આ રીઢા ગુનેગારનું નામ કિશોર ઉર્ફે અજય મોહન માછી છે, જે મૂળ વડોદરાનો રહેવાસી છે.

- આરોપી અજય માછી ડિલિવરી બોયના કપડાં પહેરી, ખભે બેગ લટકાવી સોસાયટીઓમાં ફરીને વૃદ્ધોને નિશાન બનાવતો હતો.
- તે વૃદ્ધોને "તમારું પાર્સલ આવ્યું છે, સહી કરી દો" તેમ કહી વાતોમાં ભોળવીને ગળામાંથી ચેઈન તોડી લેતો હતો.
- ભરૂચની સોસાયટીના CCTV ફૂટેજના આધારે પોલીસે વોચ ગોઠવીને આ રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે.
- પોલીસ પૂછપરછમાં આરોપીએ ભરૂચ, વડોદરા સહિત રાજ્યભરમાં 20 થી વધુ ચેઈન સ્નેચિંગ કર્યાની કબૂલાત કરી છે.
- મૂળ વડોદરાના આ શખ્સે પકડાતા પહેલા જ અકોટા વિસ્તારમાં એક વૃદ્ધની ચેઈન આ જ પદ્ધતિથી ઝૂંટવી હતી.
Fake delivery boy chain snatcher: ભરૂચ સી ડિવિઝન પોલીસે એક શાતિર ચેઈન સ્નેચર (Chain Snatcher) ને ઝડપી પાડ્યો છે, જેણે ભરૂચ અને વડોદરા સહિત અનેક શહેરોમાં તરખાટ મચાવ્યો હતો. વડોદરાનો રહેવાસી આ શખ્સ ખોટો ડિલિવરી બોય (Delivery Boy) બનીને સોસાયટીઓમાં જતો અને વૃદ્ધોને નિશાન બનાવતો હતો. પોલીસ તપાસમાં તેની સંડોવણી રાજ્યભરના 20 જેટલા ગુનાઓમાં હોવાનું સામે આવ્યું છે.
પાર્સલના બહાને લૂંટ: ડિલિવરી બોયનો સ્વાંગ રચતો
ભરૂચ સી ડિવિઝન પોલીસના હાથે ઝડપાયેલા આ રીઢા ગુનેગારનું નામ કિશોર ઉર્ફે અજય મોહન માછી છે, જે મૂળ વડોદરાનો રહેવાસી છે. આરોપીની કામ કરવાની પદ્ધતિ એટલે કે મોડસ ઓપરેન્ડી (Modus Operandi) ખૂબ જ ચાલાકીભરેલી હતી. તે ખભા પર બેગ લટકાવીને ડિલિવરી બોયનો વેશ ધારણ કરતો અને સોસાયટીઓમાં પ્રવેશતો હતો. તાજેતરમાં તેણે ભરૂચની તુલસીધામ પાસે આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં એક વૃદ્ધાને નિશાન બનાવ્યા હતા. "તમારું પાર્સલ આવ્યું છે, અહીં સહી કરી દો" તેમ કહીને વૃદ્ધાનું ધ્યાન ભટકાવી તેમના ગળામાંથી સોનાનો ચેઈન તોડીને તે ફરાર થઈ ગયો હતો.
CCTV ફુટેજ બન્યા મહત્વનો પુરાવો
આરોપી અજય માછીની આ કરતૂત સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા (CCTV Camera) માં કેદ થઈ ગઈ હતી. ફૂટેજના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે શીતલ સર્કલથી લઈને રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં સઘન વોચ ગોઠવી હતી. બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે વોચ ગોઠવીને આખરે આ રીઢા ગુનેગારને દબોચી લીધો હતો.
વડોદરામાં પણ મચાવ્યો હતો આતંક: 20 ગુના ઉકેલાયા
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી અજય માછી માત્ર ભરૂચ જ નહીં, પરંતુ વડોદરા સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં સક્રિય હતો. તેણે અત્યાર સુધીમાં 20 થી વધુ ચેઈન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે, હજુ શનિવારે જ તેણે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં એક 74 વર્ષીય વૃદ્ધને પાર્સલના બહાને છેતરીને તેમની સોનાની ચેઈન ઝૂંટવી લીધી હતી. આ ધરપકડથી અનેક વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.




















