Ahmedabad Corona Cases: રાજ્યનું આ મોટું શહેર ફરી બનશે કોરોનાનું હોટસ્પોટ ?
Covid-19 Update: દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાાં નોંધાયેલા કુલ કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ ૨૮ કેસ નોંધાયા છે.
Ahmedabad Covid-19 Update: દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના ફરી ધીમે-ધીમે માથું ઉંચકી રહ્યો છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવાં ૫૪ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ ૨૮ કેસ નોંધાયા છે. આજે નવાં ૫૪ દર્દીઓ સામે માત્ર ૧૬ દર્દીઓને જ ડિસ્ચાર્જ મળ્યું છે. જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યમાં સતત વધારો યથાવત્ છે.
અમાદાવાદમાં ક્યાં નોંધાયા કેસ
નવા નોંધાયેલા કેસ પૈકી દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.દક્ષિણ -પશ્ચિમમાં આવેલા જોધપુર વોર્ડમાં કોરોનાના છ કેસ નોંધાયા છે.જયારે નવરંગપુરા, પાલડી તેમજ નારણપુરા વોર્ડમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે.આ સિવાયના કેસ શહેરના અન્ય વિસ્તારમાં નોંધાયા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. બુધવારે નવા બે સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.જે પૈકી પોલીટેકનીક પાસે આવેલા કરમણ્ય ફલેટના આઠ ફલેટમાં રહેતા ૧૮ લોકોને તેમજ નવરંગપુરા વોર્ડના શ્રેયસ ટેકરા ખાતે આવેલા તુલીપ સીતાડેલના જી બ્લોકના ચોથા,પાંચમા અને છઠ્ઠા માળના છ મકાનમાં રહેતા વીસ લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા અમદાવાદ શહેરમાં માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા સ્થળની સંખ્યા ચાર ઉપર પહોંચી છે.
નવા કેસની સામે ડિસ્ચ્ર્જનું ઓછું પ્રમાણ
અમદાવાદમાં ૨૮, સુરતમાં સાત, વડોદરામાં સાત, કચ્છમાં બે, રાજકોટમાં ત્રણ, વલસાડમાં બે, ભરૃચમાં એક, જામનગરમાં એક, જૂનાગઢમાં એક, નવસારીમાં એક અને તાપીમાં એક કેસ નોંધાયો છે. આ સિવાયના ૨૨ જિલ્લાઓમાં એકપણ કેસ નોંધાયો છે. નવાં ૫૪ કેસ સામે માત્ર ૧૬ વ્યક્તિને જ ડિસ્ચાર્જ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં દિવસથી નવાં કેસોની સામે ડિસ્ચાર્જ પામતા દર્દીઓનું પ્રમાણ ઘણું ઓછું નોંધાયું છે. જેના કારણે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
કેટલા લોકોને અપાઈ રસી
હાલની પરિસ્થિતિએ ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા ૨૯૧ છે. જે પૈકી આઠ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૨૮૩ દર્દીઓ સ્ટેબલ છે. છેલ્લાં ૨૪ કલાકમાં ગુજરાતમાં ૪,૨૫,૭૨૧ લોકોને કોવિડ રસી આપવામાં આવી છે. જેમાંથી સૌથી વધુ ૨,૭૪,૧૬૬ ડોઝ ૧૮થી ૪૫ વર્ષના વ્યક્તિઓને રસીના બીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા છે.