Ahmedabad: નકલી પોલીસ બની ચીટિંગ કરનારો ગઠિયો ઝડપાયો, વેપારી પાસેથી લીધી હતી 53 હજારની વીંટી-બુટ્ટી
Ahmedabad: શહેરના વટવામાં નકલી પોલીસ બનીને વેપારી પાસેથી સોનાના દાગીના હડપી લેનારા ગઠીયાને પોલીસે દબોચી લીધો છે

Ahmedabad: અમદાવાદમાંથી ફરી એકવાર નકલી પોલીસની અસલી પોલીસ ધરપકડ કરી છે. શહેરના વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે નકલી પોલીસ બનીને ફરતા ગઠીયાને દબોચ્યો હતો, ખાસ વાત છે કે, આ ગઠીયાએ જ્વેલર્સ વેપારી પાસેથી સોનાની બુંટ્ટી અને વીંટીની ખરીદી કરી હતી અને બાદમાં ચેક આપ્યો હતો, જોકે, ચેક બાઉન્સ થતાં નકલી પોલીસને પર્દાફાશ થયો હતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તમામ સોનાના દાગીના જપ્ત કરી લીધા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં નકલી પોલીસના ત્રાસથી હવે વેપારીઓ પણ નથી સુરક્ષિત. હાલમાં જ શહેરના વટવામાં નકલી પોલીસ બનીને વેપારી પાસેથી સોનાના દાગીના હડપી લેનારા ગઠીયાને પોલીસે દબોચી લીધો છે. માહિતી પ્રમાણે, વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વટવા વિસ્તારમાં એક સોનાના વેપારી જ્વેલર્સ જયસિંહ કુશવાહ પાસેથી ગઠીયાએ પોતાને પોલીસ તરીકે ઓળખ આપી હતી, અને ત્યાંથી 53 હજાર રૂપિયાના સોનાના દાગીના ખરીદ્યા હતા, જેમાં સોનાની વીંટી અને સોનાની બુટ્ટી સામેલ હતી. આરોપી ગઠીયાનું નામ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતેન્દ્ર જાડેજા છે, જેને વેપારીને 53 હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થયા બાદ વેપારીએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ કરતાં નકલી પોલીસ ગઠીયો એટલે કે જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતેન્દ્ર જાડેજાના કાંડનો પર્દાફાશ થયો હતો. હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પહેલા પણ પાટણમાંથી પકડાઇ હતી નકલી પોલીસ ગેન્ગ
પાટણમાંથી છ લોકોની નકલી પોલીસ ટોળકી હવે પોલીસના સકંજામાં આવી હતી. ઘટનાની વિગતો એવી હતી કે, પાટણમાં છેલ્લા કેટલાક દિવસોથી નકલી પોલીસનો ત્રાસ વધ્યો હતો, અને આ દરમિયાન બાતમી મળી હતી કે, કેટલાક લોકો પાટણ એલ.સી.બી.ના પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે પૈસાની માગણી કરતો હતો. આ લોકો બી. ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા લીલીવાડી ખાતે રોકાયેલા એક વેપારી પાસે તપાસના નામે રૂપિયા લેવા માટે આવવાના હતા. આથી પાટણ એલસીબીની ટીમે છટકું ગોઠવી 6 નકલી પોલીસની ટોળકીને હોટલમાંથી ઝડપી પાડ્યા હતા. આ લોકોની તપાસ કરતાં તેમની પાસેથી ગુજરાત પોલીસના નામનું ગુજરાત પોલીસનું ખોટું આઇકાર્ડ તથા પોલીસે પહેરવાના બુટ તથા ખાખી મોજા મળી આવ્યા હતા. આ બાબતે તેને પુછતાં તેઓ પોલીસ વિભાગમાં ફરજ નહી બજાવતા હોવાનું જણાવ્યું હતું, અને તેઓ તમામ એલ.સી.બી. પોલીસનો સ્વાંગ રચી રૂપિયા પડાવવા આવેલા હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલા શખ્સોને રૂ. ૧૮,૧૯,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાથે સાથે પોલીસે સુચિત કર્યા છે કે ઉપરોક્ત ઈસમોએ પોલીસના નામે જેની પાસેથી પૈસા પડાવેલા હોય તેવા લોકોએ તાત્કાલિક બી. ડિવીઝન પોલીસ પાટણ ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે.





















