Ahmedabad: મહાનગરપાલિકાએ ફ્લાવર શોના સમયમાં કર્યો ફેરફાર, હવે આટલા વાગ્યા સુધી ફ્લાવર શો ચાલુ રહેશે
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આયોજીત ફલાવર શો શનિવારથી શરુ થયો છે. શહેરના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આ ફ્લાવર સો જોવા માટે પહોંચી રહ્યા છે.
અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આયોજીત ફલાવર શો શનિવારથી શરુ થયો છે. શહેરના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આ ફ્લાવર સો જોવા માટે પહોંચી રહ્યા છે. પ્રથમ દિવસ બાદ AMCએ ફ્લાવર શોના સમયમાં ફેરફાર કર્યો છે. હવે ફલાવર શો રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લો રખાશે. રાત્રિના 10 વાગ્યા સુધી એન્ટ્રી મળશે અને 11 વાગ્યા સુધી મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે. આ પહેલા રાત્રિના 9 કલાકે એન્ટ્રી પૂર્ણ કરી 10 કલાકે ફલાવર શો બંધ કરવામાં આવ્યો હતો. પ્રથમ રવિવારે મોટી સંખ્યામાં નાગરિકો આવતા મનપાએ આ નિર્ણય કર્યો છે.
આ ફ્લાવર શો 15 જાન્યુઆરી સુધી ચાલશે
અમદાવાદમાં આ ફ્લાવર શો 15 જાન્યુઆરી સુધી ચાલશે. આપને જણાવી દઈએ કે 7 લાખથી વધુ રોપાનો ઉપયોગ કરીને 400 મીટરનું ફલાવર સ્ટ્રકચર ઉભુ કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૂર્યમંદિર, વિક્રમ લેન્ડરની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે. સોમથી શુક્ર 50 રૂપિયા અને શનિ-રવિ 75 રૂપિયા ટિકીટ રાખવામાં આવી છે. શાળાના બાળકો માટે ફલાવરશોની એન્ટ્રી મફત રહેશે
ફ્લાવર શોએ અલગ જ આર્કષણ ઉભુ કર્યું
અમદાવાદના આ ફ્લાવર શોમાં શહેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની અને વિક્રમ લેન્ડર-ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ જોવા મળી રહી છે જેને અલગ જ આર્કષણ ઉભુ કર્યું છે. શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમથી મુખ્ય પ્રવેશદ્વાર બનાવાયો છે જ્યારે બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાત, પતંગિયા, સાત ઘોડાની પ્રતિકૃતિ, જેવી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-2024’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એ ઉદઘાટન બાદ મુખ્ય મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શોનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ સ્કલ્પચરને મુખ્ય મંત્રી સહિત સૌએ બિરદાવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 30 ડિસેમ્બરે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, મેયર પ્રતિભાબહેન જૈન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયા બાદ 15 જાન્યુઆરી, 2024 સુધી લોકો નિહાળી શકશે. અમદાવાદમાં સૌથી વધારે આકર્ષણ જમાવતા ફ્લાવર શો 2024માં અનેક ફૂલોની વેરાઇટી મૂકવામાં આવી છે. બાગ બગીચાને સજાવતી સામગ્રીના સ્ટોલ પણ મુકવામાં આવ્યા છે.