AHMEDABAD : વરસાદ વચ્ચે જશોદાનગરમાં ઈલેકટ્રીક કરંટ લાગતા એક પુરુષનું મોત
Ahmedabad News : જશોદાનગરની ત્રિપદા સોસાયટી સામે આ બનાવ બન્યો છે.
Ahmedabad : અમદાવાદમાં આજે 23 જુલાઈએ વિવિધ વિસ્તારોમાં વરસાદ વચ્ચે ઈલેકટ્રીક કરંટ લાગતા એક પુરુષનુ મોત થયું છે. જશોદાનગરની ત્રિપદા સોસાયટી સામે આ બનાવ બન્યો છે. જશોદાનગરની ત્રિપદા સોસાયટી સામે ઈલેકટ્રીક પોલ ખુલ્લા વાયરને કારણે વરસાદના ભરાયેલા પાણીમાં કરંટ લાગતો હતો. દરમિયાન અહીંથી પસાર થઇ રહેલા બાઈકસવાર રણજીત પ્રજાપતિ નામના આશરે 35 થી 40 વર્ષના પુરુષનું મોટ થયું છે. જશોદાનગરથી મણિનગર તરફ જતા રસ્તે આ બનાવ બન્યો છે. આ બનાવ બાદ અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શહેરના બોપલ, શેલા, ઘૂમા, સાયન્સ સિટી, સોલા, થલતેજ, પકવાન અને પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ઓફિસથી છૂટવાના સમયે જ વરસાદ શરૂ થતા અનેક લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. અમદાવાદ શહેરના ઓઢવ,આદિનાથનગર અને નિકોલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વસ્ત્રાલ, રામોલ અને નરોડામાં પણ વરસાદ પડ્યો છે. ઓઢવના અંબિકાનગર અને વલ્લભનગર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાયા છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજથી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ વરસશે. તેમાં પણ કચ્છ, બનસકાંઠા અને સાબરકાંઠામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. આ સાથે જ પાટણ, મહેસાણા,ગાંધીનગર, અરવલ્લી,સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. સૌરાષ્ટ્રમાં જામનગર,રાજકોટ,બોટાદમાં ભારે વરસાદ વરસશે.
અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, મોરબી, પોરબંદર, આણંદ, વલસાડ વરસાદની આગાહી છે. જો કે 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે.