અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ
રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્વોએ તલવાર અને અન્ય હથિયાર હાથમાં રાખીને ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો
અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હોવાના વાયરલ વીડિયો કેસમાં આરોપી વિરૂદ્ધ સમયસર યોગ્ય કાર્યવાહી ન કરી શકનારા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પર પહોંચેલા પોલીસકર્મીઓને પણ લુખ્ખાતત્વોએ ધક્કો મારીને પોલીસવાહનમાં બેસાડી દેતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્વોએ તલવાર અને અન્ય હથિયાર હાથમાં રાખીને ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. રખિયાલ નૂર હોટલથી શરૂ થયેલી માથાકુટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી. રખિયાલમાં આતંક મચાવનાર ટોળકીએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયારથી આતંક મચાવ્યો હતો. પોલીસ વાન પહોંચતા અસામાજિક તત્વોએ પોલીસકર્મીને હથિયાર દેખાડી ગાડીમાં બેસી જવા ઈશારો કરી જબરદસ્તી ગાડીમાં બેસાડ્યા હતા. એટલુ જ નહીં, પોલીસની ગાડીમાં પણ હથિયાર વડે તોડફોડ કરી હતી. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રાત્રે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર મામલે બાપુનગર પોલીસે એક અને રખિયાલ પોલીસે એક ફરિયાદ નોંધી હતી. રખિયાલ પોલીસે સમીર ઉર્ફે ચીકા મહેબુબ મિયા શેખ નામના આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય ફરાર ગુંડાતત્વોની શોધખોળ શરૂ કરી હતી. વાયરલ વીડિયો બાદ ઈન્ચાર્જ ઝોન છ ડીસીપીએ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. જેમાં હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેશકુમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ પોલીસે રખિયાર નૂર હોટલ પાસેના ગરીબ નગરમાં નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. આરોપીઓના ઘરે અને તેમના સગાસંબંધીઓના ઘરે ચેકિંગ કરવામાં આવ્યું હતુ. નાઈટ ચેકિંગ દરમિયાન ઘર અને વાહનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ. આ સમગ્ર મામલે એસીપી આર ડી ઓઝાએ જણાવ્યું હતુ કે ગુનેગારો વિરૂદ્ધ પોલીસે કાયદેસરના પગલા ભર્યા છે. આરોપીઓ વિરૂદ્ધ ભૂતકાળમાં પણ ગુનાઓ દાખલ થયા છે. તેમના વિરૂદ્ધ ભૂતકાળમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ સુરતના પુના ગામના ભૈયા નગરમાં વિષ્ણુ પાર્ક સોસાયટીમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા. ટ્યૂશનમાં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓના ગળા પર ચપ્પુ રાખીને ધમકી આપનારા ગુંડાતત્વની પોલીસે વીડિયોના આધારે ધરપકડ કરી હતી. બાદમાં પુના પોલીસે એ જ આરોપીને કાયદાના પાઠ ભણાવ્યા હતા. આરોપી પાસે હાથ જોડી પોલીસે માફી મંગાવી હતી. એટલુ જ નહીં આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.