(Source: ECI/ABP News/ABP Majha)
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડના તમામ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડના તમામ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલના CEO રાહુલ જૈન, ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, માર્કેટિંગ એક્ઝિક્યૂટિવ મિલિંદ પટેલ, પ્રતીક ભટ્ટ અને પંકિલ પટેલ નામના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે હોસ્પિટલના CEO રાહુલ જૈન ઉદયપુરથી ઝડપાયો જ્યારે અન્ય ચાર આરોપીઓ અમદાવાદથી 66 કિલોમીટર દૂર કપડવંજના એક ફાર્મ હાઉસમાંથી ઝડપાયા હતા.
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, ચિરાગ રાજપૂત ખ્યાતિ હોસ્પિટલકાંડનો મુખ્ય આરોપી છે. તેનો મહિને 7 લાખ રૂપિયાનો પગાર છે. દર્દીનું મોત થતાં પાંચેય આરોપીઓ મોબાઈલ સ્વીચ ઑફ કરી રાજસ્થાન ભાગી ગયા હતા. ખ્યાતિ હોસ્પિટલની 70 ટકા આવક સરકારી યોજનામાંથી થતી. તો બાકીની 30 ટકા આવક OPD અને સર્જરીમાંથી થતી હતી. આરોપીઓ પોલીસથી બચવા માટે ચાઈનીઝ અને રશિયન એપ મારફતે વાતચીત કરતાં હતા.
ચિરાગ રાજપૂતે જ એક ટીમ રાખી હતી. આ ટીમ અલગ-અલગ ગામમાં મેડિકલ કેમ્પ યોજી દર્દીઓને દાખલ કરાવતા હતા. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ઈમરજન્સી એન્ટ્રી કરીને મંજૂરી મેળવવામાં આવતી હતી. ઈમરજન્સી કેસના નામે ગોટાળા કરવામાં મિલિંદ પટેલ ગોઠવણ કરતો હતો. ચોંકાવનારી વાત તો એ કે, ખ્યાતિ હોસ્પિટલની આસપાસની હોસ્પિટલમાં એડમિટ ન થાય તેવા દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ કરાવાનું કહેતા હતા. ખ્યાતિ હોસ્પિટલમાં જો ડોક્ટરો દર્દીને મોકલે તો તેમને કમિશન પણ મળતું હતું.
હવે એ પણ જાણી લો કે ઝડપાયેલા પાંચેય આરોપીઓની ભૂમિકા શું હતી. હોસ્પિટલકાંડના માસ્ટર માઈન્ડ એવા ચિરાગ રાજપૂત ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર અને બ્રાન્ડિંગ માર્કેટિંગની જવાબદારી હતી. જેનો પગાર મહિને સાત લાખ રૂપિયાનો હતો. ચિરાગ રાજપૂત જેમને જરૂર ન હોય તેવા દર્દીઓને પણ સ્ટેન્ટ મુકવા માટે આગ્રહ કરતો અને હોસ્પિટલના તબીબો પણ તેની સૂચના મુજબ જ કામગીરી કરતા હતા. હોસ્પિટલની કેથલેબમાં દર્દીને ડૉક્ટર સ્ટેન્ટ મુકવાની પ્રક્રિયા સમયે પણ ચિરાગ હાજર રહેતો હતો. તો મિલિન્દ પટેલ માર્કેટિંગ અને એક્ઝિક્યુટીવ તરીકે ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2020માં નોકરીએ લાગ્યો હતો. મિલિન્દને શેરબજારમાં નુકસાન થતા પરિવારજનોથી અલગ થઇ ગયો હતો. બાદમાં 138 મુજબના કેસમાં તે એક વર્ષની જેલમાં સજા કાપીને બહાર આવ્યા બાદ ચિરાગ સાથે ફરીવાર ખ્યાતિ હોસ્પિટલમાં જોડાયો હતો. આ તરફ રાહુલ જૈન ખ્યાતિ હોસ્પિટલમાં સીઈઓ તરીકે કામ કરતો. હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર, ખરીદી અને હોસ્પિટલમાં તમામ ઓડિટ સાથે રહીને કરાવતો. ઓડિટમાં કોઈ ભૂલ હોય તો તે ડાયરેક્ટરો સાથે મળીને ઉકેલ લાવતો હતો. હોસ્પિટલમાં નાણાકીય વ્યવહાર અને ઓડીટમાં સહીઓ કાર્તિક પટેલની ચાલતી હોવાથી રાહુલ જૈન અવારનવાર કાર્તિક પટેલને પણ મળતો. દર મહિને હિસાબ પણ કાર્તિક પટેલને જ આપતો હતો. તો પંકિલ પટેલ, ચિરાગ રાજપૂત અને મિલિન્દની સૂચનાઓથી ગામડાઓમાં શિકાર શોધતા હતા. ખાસ કરીને જેની પાસે આયુષ્યમાન કાર્ડ હોય તેવા દર્દીઓને ટાર્ગેટ કરતા હતા. ગામડાના લોકોને ખ્યાતિ હોસ્પિટલ સુધી કઈ રીતે લઈ જવા તેમાં પિંકલ મદદ કરતો હતો. પ્રતિક ભટ્ટની ચિરાગ રાજપૂત અને મિલિન્દની સૂચનાઓથી ગામડાઓમાં જઇને સર્વે કરીને આયુષ્યમાન કાર્ડ અંગેની વિગતો મેળતો હતો. જે બાદ ચિરાગ મિલિન્દ કેમ્પ કરવા માટે ગામ નક્કી કરે એટલે સરપંચ સાથે મુલાકાત કરી ગિફ્ટ તેમજ કમિશન આપીને ફ્રિ મેડિકલ કેમ્પનું આયોજન કરતો હતો.