(Source: ECI/ABP News/ABP Majha)
કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પહોંચ્યા અમદાવાદ, આવતીકાલે અમૂલના નવા મિલ્ક પાઉડર પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કરશે
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું છે.
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું. તેઓ રવિવારે ગાંધીનગર ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન( GMMF)ના નવા દૂધ પાઉડર પ્લાન્ટ પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ તથા અન્ય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. ડેરી દ્વારા આ ચાર પ્રોજેક્ટ્સમાં રૂ. 415 કરોડનું રોકાણ કરાયું છે.
આ નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક ડેરી ખાતે સ્થાપવામાં આવેલ છે જે જીસીએમએમએફનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લિટરની છે. દૈનિક 150 ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લિટરથી વધારીને 50 લાખ લિટર કરવામાં આવી છે.
આ નવો પ્લાન્ટ સતત કાર્યરત રહે તે રીતે રૂ. 257 કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવ્યો છે. બે વર્ષના સમયગાળામાં તૈયાર થયેલો આ પ્લાન્ટ અત્યંત ઊર્જા-કાર્યક્ષમ ટેકનોલોજીથી સુસજ્જ છે અને તેમાં ઉત્સર્જનની માત્રા લગભગ નહિવત હશે. આ પ્લાન્ટમાં પાણીના પુનઃવપરાશની વ્યવસ્થા છે જેથી ભૂગર્ભ જળના વપરાશમાં ઘટાડો થશે. વધુમાં, આ પ્લાન્ટ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા ધોરણોની જરૂરિયાતોને પુરી કરી કરશે અને સુરક્ષા પ્રણાલીઓના ઉચ્ચતમ સ્તરથી સુસજ્જ પણ છે. આ ઉપરાંત, આ પ્લાન્ટમાં નવીનતમ પેકિંગ લાઇનો છે તેમજ જથ્થાબંધ પેકિંગ લાઇન્સનું સંપૂર્ણ ઓટોમેટિક સંચાલન થશે.