અમદાવાદના સોલામાં ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવનો અમિત શાહે કરાવ્યો પ્રારંભ, જાણો કોણ કોણ રહ્યું હાજર?
મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ધારાસભ્ય બાબુ જમના પટેલ સહિતના રાજકીય નેતાઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદઃ અમદાવાદના સોલામાં ઉમિયાધામ શિલાન્યાસનો ત્રિદિવસીય મહોત્સવ શરૂ થયો છે. શિલાન્યાસ મહોત્સવના આજના પ્રથમ દિવસે કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ધારાસભ્ય બાબુ જમના પટેલ સહિતના રાજકીય નેતાઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોકોને સંબોધતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સમાજના માટે દાન આપ્યું છે તે તમામને અભિનંદન પાઠવું છું. જ્યારે ગુજરાતની વિકાસની ગાથા લખાશે ત્યાં પાટીદારોનું સુવર્ણ અક્ષરે લખાશે. વેપાર, શિક્ષણ વિદેશમા હોટેલ ખોલી હોય એ પાટીદારોએ ખોલી છે.
વધુમાં અમિત શાહે કહ્યું કે આ ભવ્ય મંદિર જ્યારે બની જશે ત્યારે મને બોલાવજો હું જરૂર આવીશ. અમિત શાહે કોરોનાથી બચવા માટે નિયમોનું પાલન કરવા જનતાને અપીલ કરી હતી. સાથે તેમણે જે લોકોએ કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી તેઓને બીજો ડોઝ લેવા અપીલ કરી હતી.
દરમિયાન લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું હતું કે પાટીદાર સમાજ શિક્ષિત થયો છે. પાટીદાર સમાજ વૈશ્વિક ભાવના સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. સેવાની વૃત્તિ પાટીદાર સમાજની છે. પોતે કમાવી બીજાને ખવડાવવાની નીતિ છે, પાટીદાર સમાજનો નારો છે, પહેલા મહેનત, પછી વિચાર બનાવો અને કાર્ય સાથે આગળ વધો.
13 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પણ મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાઈને સંબોધન પણ કરશે. 1500 કરોડના ખર્ચે અહીં ભવ્ય મંદિર બનશે. આ ઉમિયાધામમાં ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની નવી ઈમારતો બનાવવામાં આવશે. સમાજના 1200થી વધુ દીકરા-દીકરીઓમાટે સ્કૂલથી લઈને માસ્ટર ડિગ્રી સુધીની વ્યવસ્થા કરાશે.