Ahemdabad: એપોલો હોસ્પિટલ દ્વારા GMDCમાં ડ્રાઇવ-ઇન રસીકરણ, જાણો દરરોજ કેટલા લોકોને અપાશે રસી ?
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં ૭ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ગાંધીનગર તેમજ મહેસાણા, કચ્છ અને ભરૂચ એમ ૧૦ સ્થળોએ તા.૧ મે-ર૦ર૧થી ૧૮ થી ૪૪ ની વય જૂથના લોકોને સરકારી રસીકરણ કેન્દ્ર પરથી વિનામૂલ્યે વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
જીએમડીસી ખાતે અમદાવાદ મહાનગર પાલિકા અને એપોલો હોસ્પિટલ સંયુક્તપણે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. એપોલો હોસ્પિટલના ડૉક્ટર બાલાજી પીલ્લઈએ જણાવ્યું હતું કે, અમે દરરોજ 1 હજાર લોકોને કોવિશિલ્ડ રસી આપીશું. જેના દરેક લાભાર્થી દીઠ 1000 રૂપિયા ચૂકવવાના થશે. સામૂહિક રસીકરણથી આપણે હર્ડ ઈમ્યુનિટીમાં સુધારો કરી શકીએ છીએ.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અજાણ
વેક્સિન લેવા માગતા લોકોને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ એક હજાર રૂપિયાના ચાર્જ સાથે વેક્સિન આપવામાં આવી રહી છે. જોકે, આ ચાર્જેબલ વેક્સિનેશન સંદર્ભે રાજ્ય સરકાર સાથેની ચર્ચા મુદ્દે માહિતી ન હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. જોકે, તેમણે ઉમેર્યું હતું કે, હાલ રાજ્ય સરકાર વેકસીન પર ધ્યાન આપે છે. આ નિર્ણય કોર્પોરેશનનો સ્વાયત નિર્ણય હોઈ શકે છે.
જોકે, આ મુદ્દે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના અમોધ શસ્ત્ર એવા કોરોના રસીકરણનો વ્યાપ વધારવા ભારત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ ચાર્જેબલ બેઝીઝ ઉપર રસીકરણની છૂટ અપાઇ છે. તદઅનુસાર, અમદાવાદ મહાનગરમાં એપોલો હોસ્પિટલ દ્વારા કોરોના વેક્સિનેશન ચાર્જેબલ બેઝીઝ પર શરૂ કરવામાં આવ્યું છે.
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં ૭ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ગાંધીનગર તેમજ મહેસાણા, કચ્છ અને ભરૂચ એમ ૧૦ સ્થળોએ તા.૧ મે-ર૦ર૧થી ૧૮ થી ૪૪ ની વય જૂથના લોકોને સરકારી રસીકરણ કેન્દ્ર પરથી વિનામૂલ્યે વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૦ લાખ પ૦ હજારથી વધુ ૧૮ થી ૪૪ ની વય જૂથના લોકોને વેક્સિન અપાઇ ગઇ છે
તેમણે ઉમેર્યું હતું કે, એટલું જ નહિ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન અને દિશાનિર્દેશ મુજબ રાજ્યના વધુ યુવાઓને રસીકરણ અંતર્ગત આવરી લેવાની પ્રતિબદ્ધતા સાથે તા.ર૪ મે થી ૩૧ મે દરમ્યાન એક સપ્તાહ સુધી દરરોજ ૧.ર૦ લાખ યુવાઓનું વેક્સિનેશન કરવાની શરૂઆત પણ આરોગ્ય વિભાગે કરી દીધી છે. તેમણે સ્પષ્ટપણે ઉમેર્યુ છે કે, રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૪૪ની વયજૂથના લોકોને સરકારી રસીકરણ કેન્દ્રો પરથી આપવામાં આવતી વિનામૂલ્યે રસી ઉપરાંત આ વધારાની વ્યવસ્થા અમદાવાદ શહેરના યુવાઓ માટે એપોલો હોસ્પિટલે કરેલી છે.
આવી ખાનગી હોસ્પિટલો પોતાની જરૂરિયાત મુજબનો વેક્સિન જથ્થો દેશના વેક્સિન ઉત્પાદકો પાસેથી સીધો મેળવીને આ વેક્સિનેશન કામગીરી કરે છે. આરોગ્ય અગ્ર સચિવે વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદમાં એપોલો હોસ્પિટલ દ્વારા ચાર્જેબલ બેઝીઝ પર શરૂ કરાયેલું વેક્સિનેશન એવા સંપન્ન લોકો-પરિવારો જેમને આ ફી પરવડી શકે તેમ છે તેમજ જેઓ વેક્સિન તાત્કાલિક લેવા માંગે છે તેમના માટે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ઊભી કરાયેલી વધારાની વ્યવસ્થાના ભાગરૂપે છે.
તેમણે એમ પણ ઉમેર્યુ કે, આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બનાવી સરકારી રસીકરણ કેન્દ્રોમાં વિનામૂલ્યે રસીકરણ ઉપરાંત ખાનગી હોસ્પિટલો દ્વારા ચાર્જેબલ બેઝીઝ પર વેક્સિનેશનની કામગીરીનું ફલક કોવિડ મહામારી સામેની લડતમાં રક્ષણ મેળવવાના હેતુ સાથે વધુ વ્યાપક બનાવવામાં આવશે.