Vasava vs Vasava: શું બીજેપીએ ચૈતર વસાવાનો તોડ શોધી લીધો? BTP નેતા મહેશ વસાવાએ પાટિલ સાથે મુલાકાત કરતાં રાજકારણ ગરમાયું
Lok Sabha Elections: લોકસભા ચૂંટણીને લઈને હાલમાં સમગ્ર દેશમાં ધમધમાટ ચાલી રહ્યો છે. વિવિધ રાજકીય પાર્ટીઓ પોતાના સોગઠા ગોઠવી રહી છે. હવે આ કડીમાં રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
Lok Sabha Elections: લોકસભા ચૂંટણીને લઈને હાલમાં સમગ્ર દેશમાં ધમધમાટ ચાલી રહ્યો છે. વિવિધ રાજકીય પાર્ટીઓ પોતાના સોગઠા ગોઠવી રહી છે. હવે આ કડીમાં રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાઈ શકે છે. આ વાત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સી.આર.પાટીલ સાથે મહેશ વસાવાએ મુલાકાત કરી હતી. તેમની તસવીર સામે આવતા જ સોશિયલ મીડિયા પર એ વાત વહેતી થઈ હતી કે, મહેશ વસાવા બીજેપીમાં જોડાઈ શકે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મહેશ વસાવા તેમના સમર્થકો સાતે ટૂંક સમયમાં જાહેર સંમેલન કરી ભાજપમાં જોડાઈ શકે છે. આમ બીજેપીએ ચૈતર વસાવા સામેનો તોડ શોધી લીધો હોય તેવી પણ વાત વહેતી થઈ છે. નોંધનિય કે, ભરુચ બેઠક પર આમ આદમી પાર્ટીએ પહેલા જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપી દીધી છે. જેમનું કોંગ્રેસે પણ સમર્થન કર્યું છે. તમને જણાવી દઈએ કે,ચૈતર વસાવાનું આદિવાસી વિસ્તારમાં મોટું નામ છે. હવે એવામાં જો મહેશ વસાવા બીજેપીમાં જોડાશે તો વસાવા વિરુદ્ધ વસાવાનો જંગ જામશે. કારણ કે, મહેશ વસાવા પણ આદિવાસી વિસ્તારમાં મોટું નામ ધરાવે છે.
લોકસભામાં સુરતની પાંચ સીટ પર આ લોકોને ભાજપ આપી શકે છે ટીકીટ
તો બીજી બાજુ ગુજરાતમાં સુરતમાં ભાજપ કોને ટીકીટ આપશે તેના નામોની ચર્ચા થઈ રહી છે. સુરતની કુલ પાંચ સીટ છે જેમાંથી એક માત્ર દર્શના જરદશોને જ ભાજપ રીપીટ કરે તેવી શક્યતા છે. બાકી બીજી ચાર સીટ પર નવા ચહેરાને તક આપી શકે છે. આ ચાર સીટ પર જેના નામની ચર્ચ છે તેમાં હેમાલી મોધાવાળા, નીતિન ભજીયાવાલા, ડો. જગદીશ પટેલ અને મુકેશ દલાલના નામની ચર્ચા છે. ગુજરાતની 26 બેઠકો પર સેન્સ પ્રક્રિયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સંગઠન મહામંત્રી રત્નાકરે દિલ્લી જઈ દાવેદારોનું પોટલું ખોલ્યું છે.
ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી સી.આર.પાટીલનું ફરીથી ચૂંટણી લડવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. તો 18 સાંસદને ઘરે બેસવાનો વારો આવી શકે છે.. વિધાનસભા 2022 અને રાજ્યસભા ચૂંટણીની જેમ લોકસભા 2024માં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી સંગઠનમાં સ્થાનિક સ્તરે જેના નામની ચર્ચા જ ન હોય તેવા યુવા ચહેરાઓને ઉમેદવાર તરીકે જાહેર કરીને સૌને ચોંકાવી શકે છે. તો 26 પૈકી 8 બેઠક પર ઉમેદવાર રિપીટ કરી શકે છે. જ્યારે 18 બેઠક પર નવા ચહેરાને સ્થાન મળી શકે છે. ગાંધીનગર સિવાયની મધ્ય ગુજરાતની ચાર લોકસભા બેઠક અને અમદાવાદની બે લોકસભા બેઠક પર પણ ભાજપ નવા ચહેરાને મેદાને ઉતારી શકે છે.