કેન્દ્ર સરકારે કોરોનાની બે રસી વચ્ચેના સમયને લઈને શું કર્યો મોટો ખુલાસો? જાણો વિગત
કોર્ટે પૂછ્યું, પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર માટેની timeline દર વખતે શા માટે બદલ્યા કરો છો? આની પાછળ કોઈ વિજ્ઞાન કે લોજીક છે ખરું? આવું કરવાથી પહેલા ડોઝ ની અસરકારકતા પણ નહીં રહે. આ બાબતે યોગ્ય સંકલન કરો.
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે કોરોના મુદ્દે સુનાવણી ચાલી રહી છે. ત્યારે કોર્ટે કોરોના રસીકરણને લઈને સવાલો પૂછ્યા હતા. કોર્ટે પૂછ્યું, રસી માટેનું સ્પોટ રજીસ્ટ્રેશન શા માટે નથી કરી રહ્યા? રસીનો બગાડ રોકવા શુ વ્યવસ્થા છે? જેમને એક ડોઝ અપાઈ ચુક્યો છે તેમને બીજો ડોઝ આપવામાં પ્રાથમિકતા આપવી જોઈએ. કોર્ટે પૂછ્યું, પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર માટેની timeline દર વખતે શા માટે બદલ્યા કરો છો? આની પાછળ કોઈ વિજ્ઞાન કે લોજીક છે ખરું? આવું કરવાથી પહેલા ડોઝ ની અસરકારકતા પણ નહીં રહે. આ બાબતે યોગ્ય સંકલન કરો.
આ મુદ્દે કેન્દ્ર સરકારે મોટો ખુલાસો કર્યો છે. માત્ર કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો સમય બદલ્યો છે. કોવેકસીન માટેના બે ડોઝ માટેના સમયમાં કોઈ બદલાવ નથી. કોવિશિલ્ડના પહેલા અને બીજા ડોઝ વચ્ચે વધુ અંતર રાખવાથી એન્ટી બોડી સારી રીતે જનરેટ થાય છે. કોર્ટે પૂછ્યું, આનો શું કોઈ વૈજ્ઞાનિક આધાર છે ખરો? કેન્દ્ર સરકારે કહ્યું, ભારત અને દુનિયા ભરમાં થયેલા રિસર્ચ અને તથ્ય પર આધારિત છે. કોર્ટે કેન્દ્રને કહ્યું, આપ બધાને કન્ફયુઝ કરી રહ્યા છો કે પહેલો ડોઝ લીધા પછી બીજો ડોઝ ક્યારે લેવો? શું રસીની અછત છે તેના માટે બે ડોઝ વચ્ચેનો ગાળો વધ્યો છે?
કોર્ટે પૂછ્યું, એપ્રિલ મહિનામાં ઓર્ડર આપ્યો હતો તેનું શું થયું? એડવોકેટ જનરલે કહ્યું, અત્યાર સુધીમાં ત્રણ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો પણ રસીના ઉત્પાદકો પૂરતો જથ્થો સપ્લાય નથી કરી શક્યા. કોર્ટે પૂછ્યું, જો પૂરતો સપ્લાય ન આવી શકતો હોય તો એવા ઓર્ડર નો મતલબ શું છે? કોઈ ટાઈમ લાઈન તો હશેને રસીનો જથ્થો આવવાની.
એડવોકેટ જનરલે નિવેદન આપ્યું હતું કે, મે મહિનામાં કોવિશિલ્ડના 13,68,650 ડોઝ અને 2,49, 240 કોવેકસીનનો જથ્થો મળ્યો. જૂન મહિનામાં 8,30,140 કોવિશિલ્ડ અને 2,46,880 કોવેકસીન નો જથ્થો મળશે. રસીના ઉત્પાદકો માત્ર કેન્દ્ર સાથે જ કરાર કરશે એવી વાત કરી રહ્યા છે. રાજ્ય સાથે કોઈ કરાર નહીં કરે એવી બાબત સામે આવી છે, તેમ સરકારે રજુઆત કરી હતી.
કોર્ટે કહ્યું... માસ્ક બાબતે જાગૃતતા વધારવાની જરૂર છે. હજુ લોકો માસ્ક નથી પહેર્યા , તે બાબતે શું કરી રહ્યા છો? એડવોકેટ જનરલે કહ્યું, માસ્ક ના પહેરનાર લોકો કહે છે. માસ્ક પણ નથી અને પૈસા પણ નથી, જે કરવું હોય એ કરો. કોર્ટે કહ્યું, એવા લોકોને માસ્ક આપો, પણ માસ્ક પહેરાવો.